હવે ફકત રૂા.12000 કરોડની જ રૂા.2000ની નોટો ‘પરત’ આવવાની બાકી
રૂા.2000ની ચલણમાંથી પાછી ખેંચાયેલી નોટો હવે બેન્કોમાં જમા કરાવવા કે બદલવાની આવતીકાલે અંતિમ તારીખ છે

રૂા.2000ની ચલણમાંથી પાછી ખેંચાયેલી નોટો હવે બેન્કોમાં જમા કરાવવા કે બદલવાની આવતીકાલે અંતિમ તારીખ છે તે સમયે હવે ફકત રૂા.12000 કરોડની જ ગુલાબી નોટો એકસચેંજ કે જમા થઈ નથી. આજે રિઝર્વ બેન્કના વડા શ્રી શક્તિકાંતા દાસે દ્વીમાસીક નાણા પોલીસીની જાહેરાત સમયે પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે રૂા.3.42 લાખ કરોડની રૂા.2000ની ચલણી નોટો જમા થઈ ગઈ છે અને હવે રૂા.12000 કરોડની નોટોની ‘રાહ’ જોવાય છે. હવે કાલે આ માટે અંતિમ દિવસ બાદ ચીત્ર સ્પષ્ટ થઈ જશે.
આરબીઆઈએ કહ્યું કે, 96 ટકા એટલે કે રૂ. 3.43 લાખ કરોડના મૂલ્યની રૂ. 2,000ની નોટો બેન્કોમાં પાછી આવી છે. તેમાંથી 87 ટકા નોટો જમા કરવામાં આવી છે, જ્યારે 13 ટકા નાની કિંમતની નોટો સાથે એક્સચેન્જ કરવામાં આવી છે. જોકે, 3.37 ટકા એટલે કે 12,000 કરોડ રૂપિયાની નોટો હજુ પણ બજારમાં છે.
આરબીઆઈએ બેંકોમાં 2,000 રૂપિયાની નોટો જમા કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરી હતી. પરંતુ આરબીઆઈએ નોટો બદલવા અને તેને ખાતામાં જમા કરવાની તારીખ વધારીને 7 ઓક્ટોબર કરી હતી. આ વર્ષે 19 મેના રોજ આરબીઆઈએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી લોકોએ બેંકોમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવી અને પરત પણ કરાવી. જોકે શરૂઆતના દિવસો સિવાય આ સમયગાળા દરમિયાન બેંકોમાં વધુ ભીડ જોવા મળી ન હતી. RBI દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 7 ઓક્ટોબર પછી પણ 2000 રૂપિયાની નોટો માન્ય રહેશે. અદાલતો, કાયદા અમલીકરણ એજન્સીઓ, સરકારી વિભાગો અથવા જાહેર સત્તાવાળાઓ તપાસ અથવા કાર્યવાહી દરમિયાન જ્યારે જરૂર પડે ત્યારે કોઈપણ મર્યાદા વિના RBIની 19 ઈસ્યુ ઑફિસમાંથી કોઈપણમાં રૂ. 2000ની બેંક નોટ જમા કરાવી શકશે.



