રોબિન્સવિલ ટાઉનશીપના મેયર દ્વારા BAPS ના પ્રદાનને બિરદાવવા મહંતસ્વામીને “કી ટુ ધ સિટી” નું સન્માન અર્પણ કરાયું
ઓક્ટોબરના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં રોબિન્સવિલના મેયર ડેવિડ ફ્રાઈડ સહિત ન્યુજર્સી તેમજ સમગ્ર અમેરિકામાંથી અનેક મેયરો અને સ્ટેટ ઑફિશિયલ્સના પ્રતિનિધિમંડળોનું સન્માન કરવામાં આવ્યું હતું.

ઓક્ટોબરના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં રોબિન્સવિલના મેયર ડેવિડ ફ્રાઈડ સહિત ન્યુજર્સી તેમજ સમગ્ર અમેરિકામાંથી અનેક મેયરો અને સ્ટેટ ઑફિશિયલ્સના પ્રતિનિધિમંડળોનું સન્માન કરવામાં આવ્યું હતું.
તા.8 ઓક્ટોબર, 2023ના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામના ભવ્ય ઉદઘાટન નિમિત્તે યોજાઈ રહેલા નવદિવસીય વિશિષ્ટ કાર્યક્રમોની શૃંખલાના ભાગરૂપે ‘Celebrating Community‘ થીમ મુજબ આ આયોજન કરવામાં આવ્યું હતું.
BAPS ના પૂજ્ય ચૈતન્યમૂર્તિદાસ સ્વામીએ અમરિકન લોકશાહીના સિદ્ધાંતો અને હિન્દુ ધર્મની એકતાની ભાવનાના મૂલ્યોને રોબિન્સવિલ ટાઉનશીપની સહયોગની ભાવનામાં પ્રતિબિંબિત થયેલાં જોઈ શકાય છે તે વિષયક વાત કરી.
જેઓ અક્ષરધામ પ્રોજેક્ટના પ્રખર સમર્થક રહ્યા છે તેવા રોબિન્સવિલના મેયર ડેવિડ ફ્રાઈડ, છેલ્લાં એક દાયકા કરતાં વધુ સમયથી રોબિન્સવિલ કોમ્યુનિટી અને અક્ષરધામ વચ્ચે મજબૂત સંબંધને ઉત્તેજન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. સાંસ્કૃતિક ઉત્થાન અને જાળવણી પ્રત્યે અને આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ માટેના તેમના અતૂટ સમર્થને અક્ષરધામ મહામંદિરને સાકાર કરવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું,
“ જ્યારે પણ મેં BAPS સંસ્થાનો સહયોગ માટે સંપર્ક કર્યો, ત્યારે તેઓ હંમેશા મદદ માટે તત્પર હતા, આ ભાવના માટે હું તેમનો અત્યંત ઋણી છું. તમે તમારી યુવાપેઢીમાં જે મૂલ્યોનું સિંચન કરી રહ્યા છો, તે ખૂબ અગત્યનું છે, કારણકે તેઓ આ કોમ્યુનિટીના આવતીકાલના સદસ્યો બની રહેવાના છે.
અક્ષરધામ અને આ સમુદાય રૉબિન્સવિલના એક અભિન્ન ભાગ બની ગયા છે. અમને ગૌરવની લાગણી છે અને આપના પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે આ સર્જન માટે રૉબિન્સવિલને પસંદ કર્યું. તમારા વિઝનથી તમે જમીનના એક ટુકડાને અકલ્પનીય રીતે વૈશ્વિક અજાયબીમાં પરિવર્તિત કરી દીધો છે. હું તેના માટે તમારો આભારી છું. પુનઃ હું તમને ઉદ્ઘાટન પ્રસંગે મારી શુભેચ્છાઓ પાઠવું છું. “
BAPS ના પૂજ્ય યોગનન્દનદાસ સ્વામીએ આધ્યાત્મિકતા, નાગરિક મૂલ્યો અને નૈતિક મૂલ્યોના સિંચનમાં અક્ષરધામની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
BAPS ના વરિષ્ઠ સંત પૂજ્ય ભક્તિપ્રિયદાસ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજના ઉપદેશોને આધારે સમાજમાં એકતા અને સંવાદિતા સ્થાપવા સહનશીલતા અને ઉદાર દ્રષ્ટિકોણ અપનાવવાની વાત કરી હતી.
BAPS ના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે તેમના આશીર્વાદમાં એકતા અને સામાજિક ઉત્થાનની વાત દ્રઢ કરાવી હતી. પરસ્પર સમજણ કેળવી સૌને આદર આપવાની દ્રષ્ટિ કેળવવાની વાત તેઓએ કરી હતી.
આ કાર્યક્રમમાં સમગ્ર અમેરિકામાંથી ઉપસ્થિત અનેક પ્રતિનિધિઓએ અક્ષરધામ વિષયક સ્વાનુભૂતિઓ રજૂ કરી હતી.