ઇઝરાયલના વડાપ્રધાનની હમાસને ચેતવણી, ‘હમાસ ISIS છે અને અમે તેનો ખાત્મો કરીશું
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં આ યુદ્ધમાં 1300થી વધુ લોકોના મોત થયા છે. ઇઝરાયેલમાં 700 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ગાઝામાં ઓછામાં ઓછા 560 લોકોના મોત થયા છે.

દેશને સંબોધતા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે હમાસે યુદ્ધ માંગ્યું છે અને હવે તે યુદ્ધનો સામનો કરશે. હમાસ આઇએસઆઇએસ છે અને અમે તેને એ જ રીતે ખત્મ કરીશું જે રીતે દુનિયાએ આઇએસઆઇએસને ખત્મ કર્યું હતું. કેટલાક ઉગ્રવાદીઓ અમારા વિસ્તારમાં છે તેમને ખત્મ કરીશું. અમે લેબનોન અને વેસ્ટ બેન્ક સાથેની અમારી સરહદોને મજબૂત કરવાનું કામ કર્યું છે. અમે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવા માંગીએ છીએ જેથી કરીને અમે આગળ વધી શકીએ. હું વિપક્ષી નેતાઓને કટોકટીની એકતા સરકાર બનાવવા માટે આહ્વાન કરું છું.
તેમણે કહ્યું કે ઇઝરાયેલમાં આંતરિક વિભાજન ભૂતકાળની વાત છે. અમારું પહેલું પગલું ગાઝા પટ્ટીની આસપાસના નગરોમાં આતંકવાદીઓ સફાયો કરવાનું હતું. અમે ઇઝરાયેલ માટે અભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય સમર્થનનો આભાર માનીએ છીએ. ઈઝરાયેલની અંદર હજુ પણ સંખ્યાબંધ પેલેસ્ટિનિયન આતંકવાદીઓ છે. આપણે આપણા દુશ્મનો સાથે જે કરીશું તેની ગૂંજ પેઢીઓ સુધી ગૂંજશે. આપણે અપહરણ અને ગુમ થયેલા લોકો માટે બધું જ કરીશું. આપણી સામે મુશ્કેલ દિવસો છે અને અમે જીતવા માટે મક્કમ છીએ.
દરમિયાન ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે કહ્યું કે હમાસે 100થી વધુ લોકોને બંધક બનાવ્યા છે. તેઓને ગાઝા લઈ જવામાં આવ્યા હતા.