બલ્ગેરિયા, ગ્રીસ, તુર્કી, ઈટલી જેવા દેશોમાંથી પથ્થર મંગાવ્યો, જેને આવતા ૫૦૦ વર્ષ સુધી કોઈ અસર ન થાય
અમેરિકામાં બનાવવામાં આવેલ બાપ્સ અક્ષરધામ મંદિર માટે વિશ્વના અલગ અલગ દેશમાંથી લાઇમ સ્ટોન અને માર્બલની પસંદગી કરાઈ, રાજસ્થાન મોકલાયા, ત્યાં કારીગરો દ્વારા કામગીરી બાદ મુન્દ્રા પોર્ટ થી સીધા અમેરિકા લાવવામાં આવ્યા

અમેરિકામાં ૧૮૫ એકરમાં વિશ્વના બીજા નંબરનું સૌથી મોટું હિન્દુ મંદિર અક્ષરધામ આવતીકાલે ૮ ઓકટોબરના રોજ ખુલ્લું મુકાશે. આ મંદિરનો સંકલ્પ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા કરાયો હતો, જ્યારે તેનું નિર્માણકાર્ય ૨૦૧૫ માં શરૂ થયું હતું. ન્યુજર્સીના રોબિન્સવીલમાં છેલ્લા ૮ વર્ષથી બનનાર આ મંદિરમાં ક્યાં ક્યાં થી પથ્થર આવ્યા છે, કેટલા સ્વયંસેવકોએ કામ કર્યું છે, શું શું મુશ્કેલીઓ આવી, વગેરે સહિતના પ્રશ્નો ‘સાંજ સમાચાર’ એ પૂછ્યા ત્યારે મળ્યા કઈક ઈન્ટ્રેસ્ટિંગ જવાબો…
સચિન પરીખ : આઈઆઈટી કાનપુરમાં એન્જિનિયરિંગ અભ્યાસ કરી ચૂકેલ સચિનભાઈએ ત્રણેય અક્ષરધામના નિર્માણ સુપરવાઈઝરની ભૂમિકા ભજવી હતી, તેઓએ બાપ્સના ૩૫થી વધુ શિખરબધ મંદિરો બનાવ્યા
સચિનભાઈ પરીખે ‘સાંજ સમાચાર’ સાથે વાતચીતમાં જણાવ્યું કે છેલ્લા ૩૫ વર્ષથી બાપ્સ સંસ્થા સાથે જોડાયેલા છે. તેઓએ ત્રણેય અક્ષરધામમાં કામ કર્યું છે. અમેરિકાના અક્ષરધામમાં બે પ્રકારના પથ્થર વપરાયા છે. બહારના ભાગે લાઇમ સ્ટોન બલ્ગેરિયા અને તુર્કી થી આવ્યો છે અને જ્યારે અંદર માર્બલ ગ્રીસ અને ઈટલી થી મંગાવવામાં આવ્યો છે.
તમામ પથ્થર ભારતના રાજસ્થાન (પિંડવાડા) ખાતેની અલગ અલગ ફેકટરીમાં કારીગરી થતી અને ત્યારબાદ મુન્દ્રા પોર્ટ મારફત અમેરિકા લઈ આવવામાં આવતા, જ્યાં એક જિગ્સો પઝલની જેમ ગોઠવવા આવતા તેવું એન્જિનિયર અને સાઈટ સુપરવાઈઝર સચિન પરીખે જણાવ્યું હતું.
શા માટે બલ્ગેરિયા, તુર્કી થી લાઇમ સ્ટોન મંગાવવામાં આવ્યા ?
અમેરિકાના ન્યુ જર્સીમાં વાતાવરણ એવું છે કે વર્ષમાં ચાર મહિના ઠંડી રહે અને વરસાદ પણ હોય ત્યારે તેવો પથ્થર જોઈએ જે વર્ષો વર્ષ સુધી ખરાબ ન થાય. તેથી લાઇમ સ્ટોન એક એવો પથ્થર છે જેને આગામી અનેક વર્ષો સુધી કંઈ ન થાય. લાઇમ સ્ટોન, સેન્ડ સ્ટોન સહિતના પથ્થરમાં તમામ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. બાપ્સ દ્વારા અનેક મંદિરો બનાવાયા છે તેથી અનેક સંતોને અનુભવ છે જે મદદરૂપ બન્યું છે. આ મંદિરમાં ૨૦ લાખ ઘનફુટ થી વધારે પથ્થરનો ઉપયોગ કરાયો છે. ક્યાંથી પથ્થર મળી શકે, કેટલા સમયમાં મળે, ક્યાં મોકલી શકાય, વગેરે રિસર્ચ કરાયું.
વિનોદ ચાવડા નામના વડીલ યોગીજી મહારાજ સમયથી બાપ્સ સંસ્થા સાથે જોડાયેલા છે. તેઓએ અનેક અનેક મંદિરો બાંધ્યા છે. વિનોદભાઈ ત્રણ થી ચાર વર્ષ અનેક દેશોમાં ફર્યા, જ્યાં તેઓએ પથ્થરોની ખુદ પસંદગી કરી અને ભારત મોકલતા. શાસ્ત્રની દષ્ટિએ વૈષ્ણવ સંપ્રદાય મુજબ નોર્થ,ઈસ્ટ અને વેસ્ટ ડાયરેકશનમાં મંદિર બન્યું છે, જેથી ગર્ભ ગૃહમાં એ રીતે દેવી દેવતાની પ્રતિમા સ્થાપિત છે. ભારતીય સ્થાપત્ય કલા અને શિલ્પ કલા રીતે મંદિર બનાવાયું છે. શિખર ની રચના કેમ્બોડિયામાં આવેલ આંગુરવાટ થી પ્રેરણા લેવામાં આવી છે. મોઢેરા સૂર્ય મંદિરમાં થી ડિઝાઇન પ્રેરણા લેવામાં આવી હતી. નાગર શૈલીમાં આ મંદિર બન્યું છે. મંદિરમાં ૧૦૦૦૦ થી વધુ નાની મોટી પ્રતિમાઓ છે.
૨૩ વર્ષીય શ્રેયા માયામીની શ્રેયા ખુદ ડ્રીલિંગ કામ કરતા, લાઈટ માટેની કેબ્લિંગ કામ કર્યું છે
અમેરિકાના ફ્લોરિડા માયામીમાં જન્મેલી શ્રેયા જેઓએ એકચૂર્યલ સાયન્સમાં અભ્યાસ કર્યો છે તેઓએ નોકરી છોડી અને મંદિરના નિર્માણ માટે એક વર્ષ સેવા કરી છે. મંદિરમાં સેવા કરવાની વાત સામે આવી ત્યારે નોકરી છોડતા સમયે તેમના બોસે જોબ થી છૂટા ન કર્યા પરંતુ કામ પર પાર્ટ ટાઇમ ચાલુ રાખ્યા. તેમના પરિવાર વર્ષોથી બાપ્સ સાથે જોડાયેલા છે.
શ્રેયા પથ્થર સાફ કરતા, ફોર્ક લિફ્ટ મશીન ચલાવતા, ઉપરાંત ફ્લોરિંગમાં લાઈટ કેબલ નાખવાનું કામ કરતા. અક્ષરધામમાં જે શીલા કારવિંગ હોય ત્યાં લાઈટ નાખવાની કામગીરી કરતા. અનેક બેહનો ઘણા ઉત્સાહથી કામ કરતા. છેલ્લે છેલ્લે પથ્થર જ્યાં જ્યાં તૂટ્યો હોય ત્યાં સમારકામ અને પેઇન્ટિંગ કરવાનું કામ પણ અમે કર્યું છે. હવે વિચારો કે જે ભાગમાં કઈક તૂટ્યું છે, બાંસુરીનો ભાગ પ્રતિમામાં તૂટ્યો હોય તો તેને શોધી અને ફરીથી બરાબર કરતા. અઘરુ હતું કારણકે દરેક પ્રતિમા એક બીજા થી અલગ છે.
અર્નેસ્ટ એન્ડ યંગમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગનું કામ કરતા અંકુર પટેલ શિખર પર કામ કરતા
અક્ષરધામ નિર્માણમાં ૧૨૫૦૦ થી વધુ સ્વયંસેવકો ભાગ લઈ અને નિર્માણકાર્યમાં સંપૂર્ણ રીતે જોડાયા હતા. ત્યારે એક એવા યુવક જેને સંતો સાથે શિખર પર કામ કર્યું છે. ૧૨ શિખરો ધરાવતું આ મંદિર અલગ છે અને સાથોસાથ એટલું ઉપર પથ્થર મૂકી કામ કરવું ખૂબ અઘરું છે. આ મંદિર ૧૯૪ ફુટ ઉંચુ છે તેથી સૌથી ઉપર કામ કરવામાં ઠંડો પવન ફૂંકાતો હોય કે પછી વરસાદ હોય પણ કામ ચાલુ જ રહેતું. અંકુર પરેલ અર્નેસ્ટ એન્ડ યંગ જેવી ઉત્તમ ફાયનાન્સ કંપનીમાં કામ કરતા એન નોકરી છોડી નિસ્વાર્થ ભાવે નિર્માણ કાર્યમાં જોડાયા હતા. તેઓ હ્યુસ્ટનમાં રહે છે પરંતુ એક વર્ષ થી સેવા આપે છે.
અમેરિકામાં આ પ્રકારનું બાંધકામ કરવું ખૂબ જ અઘરુ
અક્ષરધામ મંદિરના નિર્માણ વખતે અનેક પ્લાનિંગ કરવું પડ્યું હતું. અમેરિકામાં કાયદા કાનૂન આ રીતે શિખર બદ્ધ મંદિર નિર્માણ માટે કડક છે. પહેલા તમામ ડ્રોઈંગ કાઉન્સિલમાં મોકલવા પડે. અને તે રીતે જ બાંધકામ થવું જોઈએ. બાંધકામ ચાલુ કરવા માટે પણ પરમિશન જોઈએ. ત્યારે એક લાઈટ બોર્ડ જે રીતે પ્લાનમાં ન હોય તો તેને કમપ્લીશન ન મળે. ખૂબ જ કાળજી રાખી અને મંદિરનું નિર્માણ થયું છે .