ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી ક્રિકેટ સ્ટેડીયમ પહોંચ્યા ભારત-પાકિસ્તાન મેચની સુરક્ષાની સમીક્ષા
ભારત પાકિસ્તાન મેચના ચાહકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

ક્રિકેટ જગતના સૌથી કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે રમાનારા એકદિવસીય મેચ માટે તૈયારીઓની સાથોસાથ સુરક્ષાનો એકશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો જ છે ત્યારે આજે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ સ્ટેડીયમની રૂબરૂ મુલાકાત લઇને સલામતી પગલાઓની સમીક્ષા કરી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર ભારત-પાકિસ્તાન મેચને લઈને સુરક્ષાના મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી હતી. હર્ષ સંઘવીની સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ સુરક્ષાના મુદ્દે સમીક્ષા કરી. જે બાદ સુરક્ષાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ બેઠક યોજી છે. આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ મલેક સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને ઉલ્લેખનીય છે કે, 14મી ઓક્ટોબરે અમદાવાદમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 7 હજારથી વધુ પોલીસ જવાનનો તૈનાત રહેશે.
ભારત પાકિસ્તાન મેચના ચાહકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હોટેલ બુકિંગથી લઈને ટ્રેન અને ફ્લાઈટ ટિકિટનું બુકિંગ અગાઉથી થઈ ગયું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસની ટીમો દોડતી થઈ હતી. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે મૂળ મધ્યપ્રદેશના વીડિયો બ્લોગર કરણ માળી નામના યુવકને રાજકોટથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.