નવરાત્રીમાં વરસાદનું વિધ્ન, હવામાન વિભાગની આગાહી IND vs PAK મેચની પણ મજા બગાડશે
ભારત-પાકિસ્તાનની મેચ છે તે 14 ઓક્ટોબરના દિવસે અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે.

આગામી રવિવારથી ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. નવરાત્રી પર ગરબા રમવા માટે ખેલૈયાઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની નવી આગાહીથી ખેલૈયાઓ ચિંતિત થઈ ગયા છે. રાજ્યમાં આગામી સમયે નવરાત્રી દરમિયાન વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરે છે. ખાસ તો ભારત-પાકિસ્તાનની મેચ છે તે 14 ઓક્ટોબરના દિવસે અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 14થી 17 ઓક્ટોબર સુધી જુદા જુદા જિલ્લાઓમાં છૂટા છવાયો વરસાદ પડી શકે છે. જેમાં 14મી ઓક્ટોબરે અમદાવાદ અને આણંદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ થઈ શકે છે. 15મી ઓકટોબરે પણ અમદાવાદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદ પડી શકે. 16મી ઓક્ટોબરે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં તો 17મી ઓક્ટોબરે બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી આ આગાહી ભારત-પાકિસ્તાનની મેચની આતુરતાથી રાહ જોઈ રહેલા ક્રિકેટ રસીકો તથા ગરબા રમવા માટે આતુર ખેલૈયાઓ બંનેની મજા બગાડી શકે છે. ખાસ છે કે, રાજ્યમાં જુદા જુદા સ્થળો પર નવરાત્રી દરમિયાન 9 દિવસ ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે.