ગુજરાત

દિલ માંગે મોર! નવરાત્રીમાં મનપાના આરોગ્ય કેન્દ્રો રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લા રહેશે

ભીડવાળા ગરબા આયોજનના સ્થળે ખાસ મેડીકલ ટીમ 108માં લાઇફ સપોર્ટ સિસ્ટમ ગ્રીન કોરીડોર બનાવાશે સરકારે દરેક મહાપાલિકાઓને પણ મોકલી સૂચનાઓ

આગામી રવિવારથી નવરાત્રી પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આટલા વર્ષોમાં પ્રથમ વખત ખેલૈયાઓના હૃદય સહિતના આરોગ્યની ચિંતા માટે રાજયફ સરકારે હરકતમાં આવવું પડયું છે. છેલ્લા મહિનાઓમાં હૃદયરોગના હુમલાના કારણે રાજયમાં અનેક યુવાનોના અવસાન થયા છે ત્યારે ખુબ જ થાક, તનાવ જેવા કારણો સામે તકેદારીના પગલા લેવા નોરતામાં ગરબા આયોજન સ્થળે તબીબી સહાય ટીમો ઉપલબ્ધ કરાવવા કલેકટર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ગરબા આયોજકોને પણ સહાયની વ્યવસ્થા ઉભી કરવા તાકીદ કરવામાં આવી છે ત્યારે રાજકોટ મહાપાલિકાએ પણ ડોકટરોની ટીમ અને આરોગ્ય કેન્દ્રોમાં મોડી રાત સુધી સારવારની વ્યવસ્થાનું આયોજન કર્યુ છે.

નવરાત્રીના નવ દિવસો દરમ્યાન કોર્પો.ના તમામ 23 આરોગ્ય કેન્દ્રો રાત્રે એક વાગ્યા સુધી ખુલ્લા રહેશે અને કોઇ પણને ગરબા સ્થળે તબીબી સહાયની જરૂર હોય તો ટીમ સ્થળ પર હાજર રહેશે.

મનપાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા તમામ જિલ્લા પંચાયત અને મહાપાલિકાના આરોગ્ય અધિકારીઓ, તમામ વિભાગીય નાયબ નિયામકોને પત્ર પાઠવ્યો છે અને નવરાત્રી મહોત્સવમાં જયાં મોટા પાયે ગરબાના આયોજન થતા હોય ત્યાં આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા આરોગ્ય કમિશ્નરે જાણ કરી છે.

તે અંતર્ગત કોર્પો.ના તમામ વિસ્તારમાં આવેલા 23 આરોગ્ય કેન્દ્રો ઇમરજન્સીની જેમ મેડીકલ ટીમ સાથે રાત્રે એક વાગ્યા સુધી ખુલ્લા રહેશે. 108માં લાઇફ સપોર્ટ સિસ્ટમ સાથે સ્ટાફ ખડેપગે રહેેશે. જિલ્લા તંત્રની સૂચનાથી ગરબા આયોજકોએ પોતે પણ ખાનગી હોસ્પિટલો સાથે સંકલન કર્યુ છે. તો મહાપાલિકાની તબીબી ટીમ ગરબાના મેદાનમાં સતત મદદ માટે હાજર રહેશે.

કોર્પોરેશને આવા મોટા આયોજન અંગે પોલીસ તંત્ર પાસેથી યાદી માંગી છે. મનપાના ચાર ગ્રાઉન્ડમાં અર્વાચીન રાસોત્સવ યોજાવાના છે. તો અન્ય આયોજનોની મંજૂરી પણ પોલીસ આપતી હોય, સત્તાવાર લીસ્ટ માંગવામાં આવ્યું છે. તેના પરથી દરેક જગ્યાએ ટીમોને જવાબદારી સોંપવામાં આવશે. આ ઉપરાંત ગરબાના મેદાનમાં જો કોઇ ખેલૈયાને ઇમરજન્સી જરૂર પડે તો એમ્બ્યુલન્સ મેદાનથી રોડ સુધી પહોંચાડવા ‘ગ્રીન કોરીડોર’ રાખવા પણ સૂચના આપવામાં આવી છે.

રાજય સરકારે પરિપત્રમાં જણાવ્યું છે કે, નવરાત્રીમાં જુદી જુદી જગ્યાએ રાસ-ગરબાના આયોજન થતા હોય છે. અમુક જગ્યાએ ખુબ મોટા પ્રમાણમાં ખેલૈયાઓ એકત્ર થતા હોય છે. આવા મોટા આયોજનના સ્થળે નાગરિકોને આરોગ્યને લગતા કોઇ પણ પ્રશ્ર્નો ઉપસ્થિત થાય તો ત્વરીત સારવાર મળી રહે તે હેતુથી મેડીકલ ટીમ એમ્બ્યુલન્સ સાથે કાર્યક્રમ સ્થળે રાખવાની થશે. નજીકના આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલ ખાતે સારવાર માટે તબીબો સહિતની સુવિધા રાઉન્ડ ધ કલોક ઉપલબ્ધ છે કે કેમ તેની પણ ખરાઇ કરવાની રહેશે. આ અંગેનું આયોજન તાત્કાલીક ઘડવા સૂચના આપવામાં આવી છે.

સરકાર અને જિલ્લા તથા મહાપાલિકા તંત્ર ગરબા આયોજનના સ્થળે તમામ મેડીકલ વ્યવસ્થાઓ ઉભી કરી રહી છે. પરંતુ આ વ્યવસ્થા વચ્ચે સૌથી મોટી જવાબદારી રાસોત્સવમાં ખુદ ખેલૈયાની રહેવાની છે તે હકીકત છે.

ગરબા લેતા સમયે કોઇ પણ યુવાન કે યુવતીને થાક લાગે, ગભરામણ થાય, ચકકર આવે તો તુરંત એક તરફ બેસીને તાત્કાલીક આયોજક ટીમ મારફત મેડીકલ ટીમને જાણ કરવી જોઇએ. આયોજન સ્થળે જ એક મેડીકલ ટીમ બેસવાની છે. આયોજકોએ પણ આ અંગે માઇકમાંથી સતત જાહેરાત કરવાની છે. જરા પણ અસામાન્ય લાગે તો ખેલૈયાએ જ સાબદા રહેવું પડશે.

ખાસ કરીને સંપૂર્ણ પણ હાઇડે્રટ રહેવા સલાહ આપવામાં આવી છે. સ્પર્ધા માટે જરા પણ વધારાનું જોર કરવાની જરૂર નથી. ખાસ કરીને બ્લડપ્રેશર કે સુગર હોય તેઓએ તો ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button