વિપક્ષ શાસીત ચાર રાજયોમાં આવકવેરા દરોડામાં 98 કરોડની રોકડ જપ્ત રાજકારણ ગરમાયુ
આવકવેરા વિભાગે પ્રથમવાર દરોડા કાર્યવાહીની વિગતો જાહેર કરતા એમ કહ્યું હતું કે દરોડા દરમ્યાન બિનહિસાબી 90 કરોડની રોકડ તથા 8 કરોડના હીરા-દાગીના જપ્ત કરાયા હતા.

આવકવેરા વિભાગે કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા તથા દિલ્હીમાં સરકારી કોન્ટ્રાકટરો, રીયલ એસ્ટેટ ડેવલપરો પર હાથ ધરેલા દરોડા ઓપરેશનમાં 102 કરોડની રોકડ તથા જવેલરી જપ્ત કરવામાં આવી છે. વિપક્ષ શાસીત રાજયોમાં સરકારી એજન્સીઓના દુરુપયોગના રાજકીય વિવાદ વચ્ચે ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડાએ એવો ટોણો માર્યો હતો કે ભ્રષ્ટાચાર કોંગ્રેસના ડીએનએમાં છે અને એટલે જ તેના શાસીત રાજયોમાંથી કાળુ નાણુ પકડાય છે.
આવકવેરા વિભાગે પ્રથમવાર દરોડા કાર્યવાહીની વિગતો જાહેર કરતા એમ કહ્યું હતું કે દરોડા દરમ્યાન બિનહિસાબી 90 કરોડની રોકડ તથા 8 કરોડના હીરા-દાગીના જપ્ત કરાયા હતા. આવકવેરા વિભાગે 55 સ્થળોએ તપાસ કરી હતી જેમાં મોટીમાત્રામાં ફીઝીકલ તથા ડીજીટલ દસ્તાવેજો મળ્યા હતા. સરકારી કોન્ટ્રાકટરો દ્વારા ખોટા ખર્ચ દર્શાવીને આવક છુપાવીને કરચોરી કરાયાની પ્રાથમીક શંકા છે. ખાનગી પેઢીમાં કામ કરતા કર્મચારીના મકાનમાંથી મોંઘા ભાવની વૈભવી 30 ઘડીયાળો મળી આવી હતી.
કોંગ્રેસના નેતા અને બેંગ્લોરના પુર્વ કોર્પોરેટરના નિવાસેથી મળેલી જંગી રોકડનો ઉલ્લેખ કરતા નડ્ડાએ કહ્યું કે કર્ણાટકમાં ચુંટણી પુર્વે ભાજપ સરકાર સામે આરોપ લગાડનારા કોન્ટ્રાકટર એસોસીએશનના હોદેદારનુ કાળુ નાણુ પકડાયુ છે. કોર્પોરેટરના પતિ કોન્ટ્રાકટર એસોસીએશનના ઉપપ્રમુખ છે. તેઓએ બોમ્માઈ સરકારમાં 40 ટકા કમીશન લેવાતુ હોવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે રોકડ મળવાને રાજકારણ સાથે લેવાદેવા નથી. ભાજપના આક્ષેપ રાજકારણ પ્રેરીત છે. કોન્ટ્રાકટર વાસ્તવમાં ભાજપ સાથે સંકળાયેલા છે.



