દેશમાં દિપાવલી અને ચુંટણી ઈફેકટ દેખાવા લાગી છે. આજે કેન્દ્રીય કેબીનેટની મળેલી બેઠકમાં કેન્દ્રના લાખો કર્મચારીઓ તથા પેન્શનરોને 4%નો મોંઘવારી ભથ્થા વધારાને મંજુરી અપાઈ છે
ફેસ્ટીવલ-ચુંટણી સમયે ત્રિપલ બોનાન્ઝા ઘઉં, ચણા, સરસવ, સુર્યમુખી, મસુરના ટેકાના ભાવ વધ્યા: સૌને ખુશ કરવા પ્રયાસ

દેશમાં દિપાવલી અને ચુંટણી ઈફેકટ દેખાવા લાગી છે. આજે કેન્દ્રીય કેબીનેટની મળેલી બેઠકમાં કેન્દ્રના લાખો કર્મચારીઓ તથા પેન્શનરોને 4%નો મોંઘવારી ભથ્થા વધારાને મંજુરી અપાઈ છે જે તા.1 જુલાઈથી અમલી બનશે અને ચાલુ માસના 5.52 સાથે તેના એરીયર્સ સહિતનું ચુકવણી થઈ જશે તો બીજી તરફ રેલવેના કર્મચારીઓ પ્રોડકટીવીટી લીંક 78 દિવસના બોનસને પણ મંજુરી આપવામાં આવે છે જે પણ દશેરા પુર્વે ચુકવાઈ જશે તેમ માનવામાં આવે છે.
કેન્દ્રીય કેબીનેટના વધુ એક નિર્ણય ખેડુતોમાં રવિપાકથી ઘઉં, મસુર સહિત 6 પાક માટેના ટેકાના ભાવને પણ મંજુરી અપાશે. જે 2થી7%નો વધારો હશે. કેબીનેટ કમીટી ઓન ઈકોનોમીક અફેર્સની બેઠક વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં સૌથી મહત્વના કેન્દ્રીય કર્મચારીઓને જુલાઈ-ડિસેમ્બર માસનો 4%નો મોંઘવારી ભથ્થા વધારો રીલીઝ કર્યો છે. જેનાથી કર્મચારીઓને હવે મોંઘવારી ભથ્થા વધારો 42ને બદલે 46% મળશે. આ લાભ પેન્શનરોને પણ મળશે. હવે કેન્દ્રના પગલે રાજયના કર્મચારીઓને પણ ડીએ વધારો અપાશે અને દિપાવલી પુર્વે તેની જાહેરાત થઈ જશે. આ ડીએ વધારાથી કેન્દ્રની તિજોરીમાં અંદાજે રૂા.12500 કરોડના વધારાનો બોજ પડશે.
તો રેલ્વેના કર્મચારીઓને દર વર્ષની માફક 78 દિવસનું ઉત્પાદકતા સાથે જોડાયેલુ બોનસ મળશે. જેનો લાભ 13 લાખ જેટલા રેલવે કર્મચારીઓને મળશે. આ બોનસ તમામ નોન ગેઝેટેડ એટલે કે ગ્રુપ સી અને ડીના કર્મચારીઓને મળશે. જો કે રેલવેએ હજું બેઝીક પે માં છઠ્ઠા અને સાતમા પગાર પંચના તફાવતનો મુદો બાકી છે. જે અંગે ફેડરેશને રેલવે મંત્રાલયને ખાસ ઝડપી ઉકેલવાની માંગણી કરી છે. સૌથી મહત્વના નિર્ણયમાં રવિ પાક સીઝન છે. કૃષી ઉત્પાદનોના ટેકાના ભાવો રવી 7% વધારો થયો છે. જેમાં ઘઉં અને મસૂર ઉપરાંત ચણા, સરસવ, સૂર્યમુખીના ટેકાના ભાવ વધશે. ઘઉં અને ચણાના ટેકાના ભાવમાં સૌથી વધુ વધારો થશે. દેશમાં ઘઉં, દાળ વિ.ના ઉત્પાદન વધારવા ખાસ તૈયારી રાખી છે.
કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી પહેલા બોનસ મળશે. વર્ષ 2022-23ના વર્ષ માટે જેઓએ સતત છ માસ સેવા આપી છે તેવા વર્ગ-4ના તમામ કર્મચારીઓને બોનસ આપવા કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. જો કે આ એડહોક બોનસ હશે તેને પ્રોડકટીવીટી લીંક બોનસ ગણી શકાશે નહી અને તેની મહતમ મર્યાદા રૂા.7000 હશે. જે કર્મચારીઓ 31-3-23 સુધી નોકરીમાં હતા અને 22-23 ના વર્ષમાં કમ સે કમ છ મહિના સતત સેવા આપી હશે તેઓને જ આ બોનસનો લાભ મળશે. જેમાં ગણતરીની પણ ફોર્મ્યુલા જાહેર કરવામાં આવી છે. જે કર્મચારીઓએ છ વર્ષ કે તેથી વધુ સમય અને દરેક વર્ષે 240 દિવસની કામગીરી ત્રણ વર્ષ કરી હશે તેઓને આ બોનસનો લાભ મળશે.