સરકારી કચેરીઓમાં હવે નવી કાર ખરીદી બંધ
હાલના વાહનો જુના-કંડમ થાય તો ‘આઉટ સોર્સ’ થી ભાડે મેળવવાના રહેશે: નાણા મંત્રાલયની મંજુરી જરૂરી

ગુજરાત સરકારે તેની વિવિધ કચેરીઓમાં અધિકારી સહિતના સ્ટાફ માટે ઉપયોગમાં લેવાતા હાલના વાહનો જુના- ભંગાર હાલત થયા હોય તેમને કંડમમાં મોકલીને નવા વાહનો ખરીદીના બદલે હવે નાણામંત્રાલયની મંજુરી બાદ આઉટસોર્સથી વાહન સેવાઓ મેળવવા સૂચના આપવામાં આવી છે. આ અંગે કરાયેલા એક કરારના ભાગરૂપે, કરકસરના ભાગરૂપ, સ્ટાફ માટે નવા વાહનો ખરીદવાના બદલે હવે આઉટસોર્સની વાહનો ભાડે મેળવાશે.
પુખ્ત વિચારણાને અંતે સામાન્ય વહીવટ વિભાગના સંદર્ભ ક્રમાંક- (1) સામેના ઠરાવની જોગવાઈઓ તથા નાણા વિભાગના સંદર્ભ ક્રમાંક- (2) સામેના પરિપત્રની સૂચનાઓ ધ્યાને લઈને કરકસરના ભાગરૂપે સચીવાલયના વહીવટી વિભાગો, રાજય સરકાર હસ્તકની ખાતાના વડાની કચેરીઓ તથા જિલ્લાની કચેરીઓ માટે નવી કચેરી/સેટઅપની રચનાના કિસ્સામાં તથા હયાત કચેરીના ઉપયોગ માટે કંડમ વાહન સામે સ્ટાફ કાર તરીકે નવુ વાહન ખરીદવાના બદલે, ખાતા કે કચેરીની જરૂરિયાત અનુસાર સ્ટાફ કાર માટે વાહનની સેવાઓ નાણા વિભાગની પૂર્વમંજુરી મેળવ્યા બાદ આઉટસોર્સથી મેળવવાની રહેશે. સામાન્ય વહીવટ વિભાગના સંદર્ભ ક્રમાંક- (1) સામેના ઠરાવની વાહનની સેવા આઉટસોર્સથી મેળવવા અંગેની તમામ સૂચનાઓ યથાવત રહેશે.