હિન્દ મહાસાગર ક્ષેત્રમાં વાવાઝોડાના નામકરણ માટે અપનાવવામાં આવેલી ફોર્મ્યુલા મુજબ હવે સર્જાઈ રહેલા વાવાઝોડાનું નામ ‘તેજ’ અપાયું છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 24 ઓક્ટોબર સુધી વાવાઝોડાની અસર રહેશે

હિન્દ મહાસાગર ક્ષેત્રમાં વાવાઝોડાના નામકરણ માટે અપનાવવામાં આવેલી ફોર્મ્યુલા મુજબ હવે સર્જાઈ રહેલા વાવાઝોડાનું નામ ‘તેજ’ અપાયું છે. ગુજરાત હવામાન વિભાગે વાવાઝોડાના સંદર્ભમાં ખાસ કોઈ ચેતવણી બહાર પાડી નથી, પરંતુ કેટલાક હવામાન નિષ્ણાંતોએ ગુજરાત પર આ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે તેવી આગાહી કરી છે. આ ચોંકાવનારી આગાહીના પગલે બિપરજોય બાદ ફરી નવું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ત્રાટકે તેવી સંભાવના ઊભી થઈ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવઝોડા ‘તેજ’ને લઈને ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 24 ઓક્ટોબર સુધી વાવાઝોડાની અસર રહેશે. 24 ઓક્ટોબરે ઓમાન-યમન વચ્ચે ‘તેજ’ વાવાઝોડું ટકરાશે. તેઓએ કહ્યું છે કે, અરબ દેશમાં ‘તેજ’ વાવાઝોડું તબાહી મચાવશે. આ વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. પશ્ચિમ વિક્ષેપના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
તેમણે જણાવ્યું કે, 24 અને 25 ઓક્ટોબરે રાજ્યમાં ઝરમર વરસાદની સંભાવના છે. 28 ઓક્ટોબરના દિવસે શરદ પૂર્ણિમાના દિવસે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ દેખાશે. 28 અને 29 ઓક્ટોબરે થનાર ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. હાલ ચાલતી શરદ ઋતુ 24 ઓક્ટોબરે પૂર્ણ થશે. 24 ઓક્ટોબર બાદ સ્વાતિ નક્ષત્ર બેસતા હેમંત ઋતુનો પ્રારંભ થશે. હેમંત ઋતુના આરંભથી શિયાળાની શરૂઆત થશે.
ગઈકાલે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 22 ઓક્ટોબરથી ચક્રવાત સર્જાશે અને સાયક્લોન ઓમાન તરફ ફંટાશે, ચક્રવાતનો ટ્રેક 22 ઓક્ટોબર પછી સ્પષ્ટ થશે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, દેશના ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં પશ્ચિમ વિક્ષેપ આવશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 24 ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં પણ હવાનું દબાણ સર્જાશે. અરબ સાગરમાં મજબૂત ચક્રવાત બનશે. ચક્રવાતની ગતિવિધી 150 કિમીથી વધુની હોઈ શકે છે.
પશ્ચિમ ભારતનું હવામાન પલટાશેઃ અંબાલાલ પટેલ
તેઓએ જણાવ્યું હતું કે, પશ્ચિમ વિક્ષેપ આવશે તો ઠંડી ઘટશે. જો પશ્ચિમ વિક્ષેપ હટે તો ઠંડી વધી શકે છે. દિવાળીમાં પશ્ચિમ વિક્ષેપ હટવાના કારણે ઠંડી વહેલી પડશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, 22, 23 ઓક્ટોબર દક્ષિણ ભારતનું હવામાન પલટાશે, જ્યારે 24, 25 ઓક્ટોબરે પશ્ચિમ ભારતનું હવામાન પલટાશે અને 26થી 28 ઓક્ટોબરે ઉત્તર ભારતનું હવામાન પલટાતા ઠંડી વધશે.