ગાઝા યુદ્ધથી માર્કેટના ગાભા છેલ્લા બે માસના તળીયાના સ્તરે: તમામ શેરો તૂટયા
રજા બાદ કાલે ફરી દશેરાની રજા છે. અસ્થિરતાની હાલતમાં મોટી પોઝીશન રાખવાનો મૂડ નથી. યુદ્ધ પખવાડીયાથી ચાલુ હોવા છતાં તેને ગંભીરતાથી લેવાયુ ન હતું હવે એકાએક તેની અસર શરૂ થયાની છાપ છે.

મુંબઈ શેરબજાર હવે યુદ્ધના ગભરાટ હેઠળ મંદીનો ધકેલાવા લાગ્યુ હોય તેમ આજે કડાકો સર્જાયો હતો. આક્રમણકારી વેચવાલીથી તમામ શેરોમાં ગાબડા હતા. સેન્સેકસ 800 પોઈન્ટ ગગડયો હતો. મીડકેપ-સ્મોલકેપ શેરોનો ભુકકો બોલી ગયો હતો. શેરબજારમાં આજે માનસ મંદીનુ હતું. વિશ્વબજારની મંદીનો પ્રત્યાઘાત હતો. મુખ્યત્વે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધનો ગભરાટ વકરવા લાગ્યો છે. યુદ્ધમાં નવા મોરચા ખુલતા ગભરાટ વધ્યો હતો. પેલેસ્ટાઈન ઉપરાંત લેબેનોન તથા સીરીયા ક્ષેત્રમાં પણ એટેક થતા આવતા દિવસોમાં હાલત વધુ ગંભીર થવાની ભીતિ વ્યક્ત થવા લાગી હતી. ઈઝરાયેલ સામે આરબ દેશો એક થવા લાગે તો હાલત વધુ ખરાબ થઈ શકે છે.
સામે અમેરિકાએ પણ ચેતવણી ઉચ્ચારતા ગભરાટ વધુ વકર્યો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે વિકએન્ડની બે દિવસની રજા બાદ કાલે ફરી દશેરાની રજા છે. અસ્થિરતાની હાલતમાં મોટી પોઝીશન રાખવાનો મૂડ નથી. યુદ્ધ પખવાડીયાથી ચાલુ હોવા છતાં તેને ગંભીરતાથી લેવાયુ ન હતું હવે એકાએક તેની અસર શરૂ થયાની છાપ છે. શેરબજારમાં આજે મોટાભાગના શેરોમાં આક્રમક વેચવાલીથી ગાબડા પડયા હતા અને રેડઝોનમાં હતા. માત્ર ગણ્યાગાંઠયા ગ્રીનઝોનમાં હતા. મીડકેપ ઈન્ડેકસ 900 પોઈન્ટ- સ્મોલકેપ ઈન્ડેકસ 1400 પોઈન્ટ ગગડયો હતો.
રોકડાના શેરોના ભુકકા બોલી ગયા હતા. અદાણી એન્ટરપ્રાઈઝ, આઈસીઆઈસીઆઈ બેંક, હિન્દાલ્કો, અદાણી પોર્ટ, એચડીએફસી બેંક, કોટક બેંક, યશ બેંક, વોડાફોન, જયપ્રકાશ પાવર, સુઝલોન, એશિયન પેઈન્ટસ, ભારતી એરટેલ, એચસીએલ ટેક, ઈન્ડુસઈન્ડ બેંક, ઈન્ફોસીસ, જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સન, મારૂતી, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટીસીએસ ગગડયા હતા. મંદીબજારે પણ બજાજ ફાઈનાન્સ, મહીન્દ્ર, નેસલે, બીએસઈ, મેકપાવર જેવા શેરો ઉંચકાયા હતા. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 831 પોઈન્ટના કડાકાથી 64582 સાંપડયો હતો તે ઉંચામાં 64565 સાંપડયો હતો. નિફટી 261 પોઈન્ટના ઘટાડાથી 19281 હતો.



