વર્લ્ડ કપની 26 મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને પરાજીત કર્યું હતું. રોમાંચક મેચમાં આફ્રિકાએ પાકિસ્તાનને 1 વિકેટે પરાજીત કર્યા છે
માર્કરમના બેટનો કહેર, રોમાંચક મેચમાં સાઉથ આફ્રીકાનો વિજય

વર્લ્ડ કપની 26 મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને પરાજીત કર્યું હતું. રોમાંચક મેચમાં આફ્રિકાએ પાકિસ્તાનને 1 વિકેટે પરાજીત કર્યા છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનની ટીમ 46.4 ઓવરમાં 270 રનમાં શરમજનક રીતે ઓલઆઉટ થઇ ગઇ હતી. ટીમ પોતાની નિયત 50 ઓવર પણ રમી શકી નહોતી. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 271 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે આફ્રિકાએ 47.2 ઓવરમાં 9 વિકેટે જ પ્રાપ્ત કરી લીધો હતો.
ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની હારનો સિલસિલો ચાલુ છે. હવે દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને એક વિકેટથી હરાવ્યું છે. 27 ઓક્ટોબર (શુક્રવાર) ના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 271 રનનો ટાર્ગેટ હતો. જે તેણે 47.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. કેશવ મહારાજે મોહમ્મદ નવાઝના બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમને આ જીત અપાવી હતી. જોકે, સાઉથ આફ્રિકાની ટીમની જીતનો હીરો એડન માર્કરામ રહ્યો હતો. જેણે 93 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 91 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાની છ મેચમાં આ પાંચમી જીત હતી. આ જીત સાથે તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ભારત અને દક્ષિણ આફ્રિકા બંનેના 10-10 પોઈન્ટ છે, પરંતુ સારા નેટ-રન રેટને કારણે આફ્રિકા ટોચ પર આવી ગયું છે. જોકે, દક્ષિણ આફ્રિકાએ ભારત કરતાં એક વધુ મેચ રમી છે. ભારત હવે બીજા ક્રમે અને ન્યુઝીલેન્ડ ત્રીજા ક્રમે છે.
ડી કોકે પાંચ ચોગ્ગાની મદદથી 24 રન અને બાવુમાએ 28 રન (ચાર ચોગ્ગા, એક છગ્ગા)ની મદદથી બનાવ્યા હતા. બાવુમાના આઉટ થયા બાદ માર્કરામે ચાર્જ સંભાળ્યો હતો. માર્કરમે પહેલા રાસી વાન ડેર ડુસેન સાથે મળીને ત્રીજી વિકેટ માટે 54 રન જોડ્યા હતા. ત્યારબાદ તેણે ડેવિડ મિલર સાથે મળીને પાંચમી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી હતી. એક સમયે દક્ષિણ આફ્રિકાની ટીમનો સ્કોર છ વિકેટે 250 રન હતો અને તે આરામથી જીત તરફ આગળ વધી રહી હતી. પરંતુ પાકિસ્તાની બોલરોએ ત્રણ વિકેટ લઈને મેચને રસપ્રદ બનાવી દીધી હતી. કેશવ મહારાજ અને તબરેઝ શમ્સીએ છેલ્લી વિકેટ માટે 11 રન જોડીને દક્ષિણ આફ્રિકાને રોમાંચક જીત અપાવી હતી.
પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ઉસામા મીર, મોહમ્મદ વસીમ જુનિયર અને હરીશ રૌફ, જે કન્સશન સબસ્ટિટ્યુટ તરીકે આવ્યા હતા, તેણે બે-બે સફળતા હાંસલ કરી હતી.