ટાટા સમૂહએ કહ્યું કે, તેમણે સિંગુરમાં પૈસા લગાવ્યા પરંતુ પ્લાન્ટ ન લગાવવા દેતા મોટું નુકસાન કરવુ પડ્યું, હવે તે પશ્ચિમ બંગાળ સરકારને ભરપાઈ કરવી પડશે
ટાટા મોટર્સે સિંગુર-નેનો પ્રોજેક્ટ કેસમાં પશ્ચિમ બંગાળ સરકાર સામેનો વળતરનો કેસ જીતી લીધો છે

ટાટા મોટર્સે સિંગુર-નેનો પ્રોજેક્ટ કેસમાં પશ્ચિમ બંગાળ સરકાર સામેનો વળતરનો કેસ જીતી લીધો છે. ટાટા મોટર્સ લિમિટેડે જણાવ્યું હતું કે, મધ્યસ્થા પેનલે સિંગુર-નેનો પ્રોજેક્ટ કેસમાં પશ્ચિમ બંગાળ ઔદ્યોગિક વિકાસ નિગમ પાસેથી વ્યાજ સહિત રૂ. 766 કરોડની વસૂલાત કરવા માટેનો ચુકાદો આપ્યો છે.
વર્ષ 2006માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતી સાથે જીત્યા બાદ બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા પશ્ચિમી રાજ્યોની જેમ ઝડપી ઔદ્યોગિકીકરણ પર કામ શરૂ કર્યું હતુ. તેમણે પગલું ભર્યું હતું કે જે રાજ્યની રાજનીતિ અને તેમની પાર્ટીની વિચારધારાથી એકદમ વિરુદ્ધ હતું. 18 મે 2006ના રોજ તેમણે હુગલી જિલ્લાના સિંગુર વિસ્તારમાં લગભગ 1000 એકર જમીન ટાટાને સોંપવાની જાહેરાત કરી હતી. ટાટાની લખટકિયા ‘નેનો’ કારની ફેક્ટરી અહીં સ્થાપવાની હતી.
આ જમીન પર હજારો ખેડૂતો ખેતી કરતા હતા. સામ્યવાદી શાસિત બંગાળમાં આ એક એવી જાહેરાત હતી જેણે રાજ્યના રાજકારણ પર નજર રાખનારાઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા. કારણ કે મોટી મૂડી અને મોટી સ્થાપનાનો વિરોધ કરતી ડાબેરી સરકાર માટે આ એક મોટું પરિવર્તન હતું. સિંગુરના લોકો આ નિર્ણયથી નારાજ હતા કારણ કે સરકાર તેમની ખેતીની જમીન લઈ રહી હતી. જો કે સરકારે દાવો કર્યો હતો કે ટાટાને આપવામાં આવેલી 90 ટકા જમીન એવી હતી કે જેમાં માત્ર એક જ પાક ઉગાડવામાં આવ્યો હતો
25 મે 2006ના રોજ ટાટા કંપનીના અધિકારીઓ સિંગુરની જમીન જોવા પહોંચ્યા હતા. આ પહેલો દિવસ હતો જ્યારે સિંગુરના લોકોએ જમીન અધિગ્રહણ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું. લોકોએ ટાટા અધિકારીઓનો રસ્તો રોકી દીધા હતા. ત્યારે પોલીસે ભારે જહેમત બાદ રસ્તા ખુલ્લો કરાવ્યો હતો. 17 જુલાઈ 2006ના રોજ પશ્ચિમ બંગાળ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશને જમીન સંપાદન માટે હુગલીના ડીએમને પ્રસ્તાવ આપ્યો હતો. જે બાદ સંપાદનની પ્રક્રિયા શરૂ થઈ હતી. 3000 ખેડૂતોએ હુગલીના ડીએમ ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. સરકારે જમીન સંપાદન અધિનિયમ 1894ની કલમ 9(1) હેઠળ અસરગ્રસ્ત ખેડૂતોને નોટિસ જારી કરી હતી અને તેમની સામે આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું.
વિપક્ષના નેતા તરીકે મમતા બેનર્જીએ 3 ડિસેમ્બર 2006થી કોલકાતામાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. આ દરમિયાન દેશના વર્તમાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પૂર્વ વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહે તેમને મળ્યા અને આંદોલનને સમર્થન આપ્યું હતચુ. તત્કાલિન સીએમ બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ મમતા બેનર્જીને ચર્ચા માટે આમંત્રણ આપ્યું હતું પરંતુ મમતાએ આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. બીજી બેઠક 12 સપ્ટેમ્બર 2008ના રોજ યોજાઈ હતી પરંતુ તે પણ અનિર્ણિત રહી હતી. અંતે, 3 ઓક્ટોબર 2008ના રોજ, રતન ટાટાએ કોલકાતાની પ્રાઇમ હોટેલમાં પ્રેસ કોન્ફરન્સ યોજી. જેમાં તેણે સિંગુરમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી.



