હવે ED ગુજરાતમાં ત્રાટકયુ કચ્છ નવસારી અમદાવાદમાં દરોડા
ચીની નાગરિકે ભારતીય મળતીયાઓ સાથે મળીને ઉંચા વળતરની લાલચ આપીને લોકોને શીશામાં ઉતાર્યા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલથી માંડીને વિધાનસભા ચુંટણી ધરાવતા રાજસ્થાન જેવા રાજયોના નેતાઓ પર તવાઈ ઉતારી રહેલી ડીરેકટોરેટ ઓફ ઈન્ટેલીજન્સ (ઈડી)ની કાર્યવાહી સામે થતા પ્રહાર વચ્ચે એજન્સી દ્વારા ગુજરાતમાં પણ તપાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને અમદાવાદ, કચ્છ, નવસારી તથા દિલ્હીમાં 13 સ્થળોએ સામુહિક દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રિવેન્શન ઓફ મનીલોન્ડ્રીંગ એકટ હેઠળ આ દરોડા ઓપરેશન કરાયુ હતું.
‘નામની વેબ આધારીત ગેટીંગ એપ્લીકેશન લોન્ચ કર્યા બાદ સંચાલકો કરોડો રૂપિયા ઉસેટીને ફરાર થઈ ગયા હોવાની બનાસકાંઠાના પાલનપુર પોલીસમાં નોંધાયેલી ફરિયાદના આધારે આ દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ઈડીની તપાસમાં એવુ બહાર આવ્યું છે કે, ચીનના નાગરિક તથા તેના સાગ્રીતોએ ગેમીંગ એપ્લીકેશન બનાવી હતી અને ડિસેમ્બર 2021થી તે ઉપલબ્ધ બની હતી. 26/5/2022 થી 31/5/2022 દરમ્યાન ગુગલ પ્લે સ્ટોરમાં પણ મુકવામાં આવી હતી. જુન 2022 થી એપ્લીકેશન બંધ થઈ ગઈ હતી.
વેબ આધારીત દાની ગેમીંગ એપ્લીકેશનના સંચાલકો દ્વારા રોકાણ પર નિશ્ચિત વળતર આપવાની લાલચ આપવામાં આવી હતી. દરેક ગેમ દીઠ ન્યુનતમ 0.75 ટકા રીટર્ન આપીને લોકોને રોકાણ માટે લોકોને લલચાવવામાં આવ્યા હતા જેને પગલે હજારો લોકોએ એપ્લીકેશન મારફત નાણાકીય રોકાણ કર્યુ હતું. ત્યારબાદ સંચાલકોએ ગુગલ પ્લે સ્ટોરમાંથી એપ્લીકેશન હટાવી લીધી હતી.
ગુજરાત પોલીસે ફાઈલ કરેલા ચાર્જશીટના આધારે એવુ બહાર આવ્યુ હતું કે, ઠગાઈ કાંડનો સૂત્રધાર ચીનનો નાગરિક હતો. ભારતીય મળતીયાઓની સાથે રાખીને ષડયંત્ર રચ્યુ હતું અને હજારો રોકાણકારોએ નાણા ગુમાવ્યા હતા. લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ થઈ હતી.
એનફોર્સમેન્ટ ડીરેકટોરેટ દ્વારા અમદાવાદ, કચ્છ, નવસારી, દિલ્હીના 14 સ્થળોએ હાથ ધરવામાં આવેલી સામુહિક દરોડા કાર્યવાહીમાં મોટીમાત્રામાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ઈલેકટ્રોનિક સાધનો પણ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં ઈન્કમટેકસ સીજીએસટી જેવી એજન્સીઓની દરોડા કાર્યવાહીના દોર વચ્ચે ઈડી પણ ત્રાટકતા સનસનાટી છે.