અમદાવાદમાં ત્રણ દિવસમાં ઇન્કમટેક્સનું બીજાુ ઓપરેશન બિલ્ડરો-આઇટી કંપની નિશાન
હવે મુંબઇ કનેકશનમાં બે બિલ્ડર ગ્રુપ તથા એક આઇટી કંપની પર દરોડા પડાયાનો નિર્દેશ

અમદાવાદમાં બે દિવસો પૂર્વે ત્રણ બિલ્ડર ગ્રુપ તથા બે રીયલ એસ્ટેટ બ્રોકરો પર ઇન્કમટેક્સે પાડેલા દરોડાની તપાસ ચાલી જ રહી છે જ્યારે આજે હવે મુંબઇના દરોડાના કનેકશનમાં બે બિલ્ડરો પર ઓપરેશન શરુ થતાં ફફડાટ સર્જાયો છે.
આવકવેરા ખાતાએ ગત શુક્રવારે અમદાવાદમાં અવિરમ શિવરમ જેવા બિલ્ડર ગ્રુપને નિશાન બનાવીને 25 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તહેવારો ટાણે જ આ ઓપરેશનથી રીઅલ એસ્ટેટ ક્ષેત્ર ખળભળ્યું હતું. આ આઘાત હજાુ ઓસર્યો નથી ત્યાં આજે ફરી વધુ બિલ્ડરોનો વારો નીકળ્યો હતો.
સુત્રોના કહેવા પ્રમાણે મુંબઇની બિલ્ડર પેઢી પર દરોડા પડયા હતા તેના કનેકશનમાં અમદાવાદના બિલ્ડરોના નામ ખુલ્યા હતા જેને પગલે આવકવેરા વિભાગે આજે સવારથી બે બિલ્ડરો તથા એક આઇટી કંપનીના અર્ધો ડઝન સ્થળોએ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ગુજરાત ઇન્કમ ટેક્સની ઇન્વેસ્ટીગેશન વીંગના મોટાભાગના અધિકારીઓને ગત સપ્તાહના દરોડામાં રોકવામાં આવ્યા હતા, જ્યારે નવા ઓપરેશન માટે અધિકારીઓને રાજકોટ સહિતના અન્ય સેન્ટરોમાંથી તેડાવ્યા હતા. દરોડામાં મળનાર સાહિત્ય-દસ્તાવેજોમાંથી માટે મુંબઇ તંત્રને મોકલી દેવાશે તેમ એક અધિકારીએ કહ્યું હતું.