દિવાળી છતાં નવી-કડકડતી નોટોની ખેંચ: રૂા.10ના બંડલ અદ્રશ્ય
રૂા.10ની નોટો ન મળતા રૂા.20ના બંડલ પર ભારણ છતાં તે પણ મળતા નથી: બેંક ગ્રાહકોમાં જબરો કચવાટ

દિવાળીના તહેવારોમાં નવી કડકડતી ચલણી નોટોનો ટ્રેન્ડ છે પરંતુ આ વખતે બેંકોમાં ઘણી ઓછી આવતા ગ્રાહકોમાં કચવાટ સર્જાયો છે. 10 રુપિયાના ચલણની નવી નોટો તો સાવ અદ્રશ્ય જ છે પણ અન્ય ચલણની નવી નોટો પણ પુરતા પ્રમાણમાં નહીં અપાયાનો નિર્દેશ છે. દિવાળીના તહેવારે માત્ર રાજકોટ જ નહીં સમગ્ર દેશમાં નવી ચલણી નોટોની રીતસરની એક પરંપરા જ છે. રિઝર્વ બેન્ક પણ તેનાથી વાકેફ છે અને દરેક બેંકોની કરન્સી ચેસ્ટને યોગ્ય પ્રમાણમાં મોકલાવાતી હોય છે
પરંતુ આ વર્ષે રિઝર્વ બેન્ક તરફથી જ ઘણી ઓછી નવી નોટ મોકલવામાં આવી હોવાથી ગ્રાહકોને યોગ્ય પ્રમાણમાં મળશે કે કેમ તે વિશે સવાલ ઉઠવા લાગ્યા છે. બેંકિંગ ક્ષેત્રના સૂત્રોએ કહ્યું કે રાજકોટમાં સરકારી-ખાનગી બેન્કોની કરન્સી ચેસ્ટ હોય ત્યાં રીઝર્વ બેંક નવી નોટોની સીધી સપ્લાય કરે છે અને અન્ય બેંકો માટે અલગથી ગોઠવણ કરવામાં આવતી હોય છે. કરન્સી ચેસ્ટ ધરાવતી સરકારી બેંકના એક અધિકારીએ જણાવ્યું હતું કે રિઝર્વ બેંક દ્વારા માંગ્યા મુજબની નવી નોટો મોકલવામાં આવી નથી. ખાસ કરીને નાની નોટોમાં મોટી તકલીફ ઉભી થઇ છે.
10 રુપિયાની નોટો કેટલાંક વર્ષોથી મોકલવાનું બંધ જ થઇ ગયું છે અને તેનું દબાણ 20 રુપિયાની નોટો પર આવ્યું છે. ગ્રાહકો 10ના બદલે 20 રુપિયાની નવી નોટોના બંડલોની ડીમાંડ કરવા લાગ્યા છે પરંતુ તે પણ ઓછી આવી છે. 50-100 રુપિયાની નવી નોટ માંગનારા લોકો ઓછા હોય છે. આ નોટો પણ પ્રમાણમાં ઓછી હોવા છતાં ડીમાંડ સરભર થઇ જતી હોવાની સ્થિતિ છે. આ બેંકના અધિકારીએ નામ નહીં આપવાની શરતે એમ કહ્યું કે રિઝર્વ બેન્કે તેમની બેંકને 20 રુપિયાના ચલણની નવી નોટોની બે પેટી મોકલાવી હતી. બેંકિંગ ભાષામાં 200 રીંગ મળી હતી.
બેંકની 100ની થોડી ઓછી મળી છે. તમામને બે-બે રીંગ મોકલાવી દેવામાં આવી છે. આવા 20-20 બંડલો કર્મચારીઓને પણ પુરા પડે તેમ નથી. ગ્રાહકોને કેવી રીતે આપવા તે સમસ્યા છે કારણ કે તમામ ગ્રાહકોને મળી શકે તેમ નથી. બેન્કની બ્રાંચો જ કેવી રીતે વિતરણ કરવું તે નક્કી કરશે. 10 રૂપિયાની નવી નોટને લાગેવળગે છે ત્યાં સુધી 3-4 વર્ષથી રિઝર્વ બેન્કે મોકલવાનું બંધ કરી દીધું છે અને તેનું પ્રેસર 20 રૂપિયાની નોટો પર આવ્યું છે. તેમાં પણ ઓછી સપ્લાયનો દેકારો છે. દિવાળી-નૂતનવર્ષના તહેવારો દરમ્યાન પરિવાર-ઘરના વડીલો શુકનરૂપે રોકડ નાણાં આપતા હોય છે અને તેમાં નવી ચલણી નોટોની રીતસરની એક પરંપરા જ છે. દિવસો દિવસ રૂપિયાનું મૂલ્ય ઘસાતું જાય છે. ભૂતકાળમાં એક રૂપિયાની નોટની ડીમાંડ રહેતી હતી.
ત્યારબાદ બે-પાંચ રૂપિયાનો વારો આવ્યો હતો અને પછી 10 રૂપિયાનો ટ્રેન્ડ શરૂ થયો હતો. હવે આ નોટો પણ અદ્રશ્ય હોવાથી 20 રૂપિયાની ચલણી નોટો પર ભારણ વધ્યું છે. સૂત્રોના કહેવા પ્રમાણે બેંકો દિવાળીના ત્રણ-ચાર દિવસ પૂર્વે જ ગ્રાહકોને નવી નોટ આપવાનું શરુ કરી દેતા હોય છે પરંતુ રિઝર્વ બેન્ક તરફથી સપ્લાય જ ઓછી રહી હોવાના કારણોસર નાની નોટોના બંડલ ક્યાંય દેખાતા નથી. 100-500 જેવી નોટો માટે ખાસ વાંધો નથી. દિવાળી જેવા તહેવારોમાં જ યોગ્ય માત્રામાં નવી નોટો ન મળ્યાનો કચવાટ છે.
બેકિંગ સુત્રોના કહેવા પ્રમાણે 10 રૂપિયાની નવી ચલણી નોટો આપવાનું તો રિઝર્વ બેંકે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી બંધ કરી દીધું છે. એટલે રાજકોટની બેંકોમાંથી રૂા.10ની નવી નોટના બંડલ મેળવવાનું લગભગ અશક્ય છે. મહત્વની વાત એ છે કે રૂા.10ની નવી નોટ તો ઠીક, જાુની નોટની પણ ખેંચ પ્રવર્તે છે. આ પાછળનું કારણ એવું છે કે આ મૂલ્યની નવી નોટ તો સરક્યુલેશનમાં આવતી નથી.
જાુની નોટોની આવરદા પુરી થતી જાય તેમ… તેમ બેંકોમાં પાછી પહોંચી જતી હોય છે એટલે વર્ષો વર્ષ આ નોટનું સરક્યુલેશન વધી રહ્યું છે. બેંક અધિકારીએ એવો નિર્દેશ કર્યો કે રિઝર્વ બેંક રાજકોટને એક પ્રકારે સજા કરી રહી છે. રાજકોટમાં 10 રૂપિયાના સિક્કાનો ચલણમાં સ્વીકાર થતો નથી તે સામે રિઝર્વ બેંકને વાંધો છે અને એટલે જ અમુક વર્ષોેથી નવી નોટ મોકલવાનું બંધ કરી દીધું છે. 10ના સિક્કા કાયદેસર-ચલણમાં જ છે અને તે નાણાંકીય વ્યવહારમાં રાખવા અનેક વખત તાકિદ કરવામાં આવી હોવા છતાં રાજકોટમાં તેનો સ્વીકાર થતો ન હોવાનું ઉલ્લેખનીય છે. આ સ્થિતિમાં નવી નોટ નહીં આપીને રિઝર્વ બેંક ‘સજા’ કરતી હોવાની છાપ છે.



