રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગણામાં કોણ બનશે મુખ્યમંત્રી?
ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર, છત્તીસગઢમાં ભાજપે 54, કોગ્રેસે 35 અને અન્ય પક્ષોએ એક બેઠક જીતી હતી. જ્યારે રાજસ્થાનમાં ભાજપે 115, કોગ્રેસે 69 અને અન્યએ 13 બેઠકો પર જીત મેળવી હતી. તે સિવાય મધ્યપ્રદેશમાં ભાજપે 163, કોગ્રેસે 66 અને અન્યએ એક બેઠક પર જીત મેળવી હતી. ઉપરાંત તેલંગણા ચૂંટણીમાં કોગ્રેસનો 64 બેઠક , બીઆરએસ 39 અને ભાજપનો 8 બેઠક પર વિજય થયો હતો જ્યારે અન્યના ફાળે આઠ બેઠકો આવી હતી.

દેશમાં પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. ત્રણ ડિસેમ્બરના રોજ દેશના ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર, છત્તીસગઢમાં ભાજપે 54, કોગ્રેસે 35 અને અન્ય પક્ષોએ એક બેઠક જીતી હતી. જ્યારે રાજસ્થાનમાં ભાજપે 115, કોગ્રેસે 69 અને અન્યએ 13 બેઠકો પર જીત મેળવી હતી. તે સિવાય મધ્યપ્રદેશમાં ભાજપે 163, કોગ્રેસે 66 અને અન્યએ એક બેઠક પર જીત મેળવી હતી. ઉપરાંત તેલંગણા ચૂંટણીમાં કોગ્રેસનો 64 બેઠક , બીઆરએસ 39 અને ભાજપનો 8 બેઠક પર વિજય થયો હતો જ્યારે અન્યના ફાળે આઠ બેઠકો આવી હતી.
મધ્યપ્રદેશમાં ભાજપની બમ્પર જીત છે. આ વખતે રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ કમળ ખીલ્યું છે. તેલંગણામાં છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલી કેસીઆરની સરકારને આંચકો લાગ્યો છે. તેલંગાણામાં કોંગ્રેસનો વિજય થયો છે. ભાજપ કે કોંગ્રેસે આ ચાર રાજ્યો માટે પોતપોતાના મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત કરી નથી. હવે સવાલ એ છે કે તેમાંથી મુખ્યમંત્રી કોણ બનશે.
મધ્યપ્રદેશમાં ભાજપ ફરી એકવાર શિવરાજ સિંહ ચૌહાણને મુખ્યમંત્રી બનાવી શકે છે. તેઓ રાજ્યમાં ભાજપના સૌથી મોટા નેતાઓમાંના એક છે. શિવરાજે 1990 માં બુધનીથી તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી જીતી હતી અને 1991 માં વિદિશાથી સાંસદ તરીકે ચૂંટાયા ત્યારે તેઓ પ્રથમ વખત લોકસભામાં પહોંચ્યા હતા. આ પછી તેઓ ફરી એકવાર 2006 માં બુધની વિધાનસભા બેઠક જીત્યા અને આજ સુધી આ મતવિસ્તાર પર તેમની પકડ જાળવી રાખી છે. શિવરાજ ચૌહાણ એવા નેતા છે જેમણે સૌથી વધુ સમય સુધી એમપીમાં સીએમ પદ સંભાળ્યું છે. તેઓ 2005માં પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હતા.
રાજસ્થાનમાં ભાજપના સાંસદ મહંત બાલકનાથ પણ સીએમ પદની રેસમાં હોવાનું માનવામાં આવે છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જેમ અલવરના સાંસદ મહંત બાલકનાથ પણ નાથ સમુદાયમાંથી આવે છે અને તેમના સંસદીય મતવિસ્તારમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ અને સમર્થકો છે.
ભાજપે તેમને તિજારા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા, જ્યાં તેઓ ચૂંટણી જીત્યા હતા. આ સીટ પર તેમનો મુકાબલો કોંગ્રેસના ઈમરાન ખાન સામે હતો. બાલકનાથે તેમને 6173 મતોથી હરાવ્યા હતા.બાલકનાથે કહ્યું કે લોકો કોંગ્રેસથી છૂટકારો મેળવવા માંગતા હતા જે ભાજપની આસાન જીતનું કારણ હતું. તેમણે ભ્રષ્ટાચાર, મહિલાઓ પર અત્યાચાર અને વધતા ગુનાઓને લઈને રાજસ્થાન કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.
રાજસ્થાનમાં સીએમ પદના દાવેદારોમાં ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના નામ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. તે અટલ બિહાર વાજપેયી સરકારની કેબિનેટમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. હાલમાં તે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે.
વસુંધરા રાજેએ 1984માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ રાજસ્થાનના ધૌલપુરથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ 2003, 2008, 2013 અને 2018માં ઝાલરાપાટનથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. તેઓ 1989-91, 1991-96, 1996-98, 1998-99 અને 1999-03 વચ્ચે લોકસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. 2018માં તેમણે કોંગ્રેસના માનવેન્દ્ર સિંહને 25000 મતોથી હરાવ્યા હતા. આ વખતે તેમણે ઝાલરાપાટનથી કોંગ્રેસના ઉમેદવાર રામલાલને 53193 મતોથી હરાવ્યા છે.
છત્તીસગઢમાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રમણ સિંહ મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. તેમની રાજકીય કારકિર્દી 1966-67માં પાર્ટીની યુવા પાંખમાં જોડાઈને શરૂ થઈ હતી. 1983માં તેઓ કવર્ધા નગરપાલિકાના કાઉન્સિલર બન્યા.
1990માં તેઓ અવિભાજિત મધ્યપ્રદેશની કવર્ધા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 1999માં તેઓ રાજનાંદગાંવ બેઠક પરથી સાંસદ બન્યા. તેઓ 1999 થી 2003 દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી પણ હતા.
2003માં તેઓ છત્તીસગઢના મુખ્યમંત્રી બન્યા. તેઓ ત્રણ વખત છત્તીસગઢના સીએમ બની ચૂક્યા છે. તેઓ 2008થી રાજનાંદગાંવ સીટથી ધારાસભ્ય છે. આ વખતે તેમણે રાજનાંદગાંવથી કોંગ્રેસના ગિરીશ દેવાંગનને 45,084 મતોથી હરાવ્યા છે.
તેલંગણા કોંગ્રેસના પ્રમુખ રેવંત રેડ્ડીના નેતૃત્વમાં પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં સારૂ પ્રદર્શન કર્યું છે અને 10 વર્ષ જૂની BRS સરકારને હરાવી છે. પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા રેડ્ડીને જીતનો શ્રેય આપવામાં આવી રહ્યો છે અને આ દરમિયાન એવી ચર્ચા ચાલી રહી છે કે તેમને તેલંગણાના મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.
રેડ્ડી અગાઉ તેલુગુ દેશમ પાર્ટીના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ એક સમયે એબીવીપીના સભ્ય પણ હતા. 2021માં તેમણે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળ્યું. તેમણે પાર્ટીને મજબૂત કરવા અનેક મતવિસ્તારોની મુલાકાત લીધી હતી. ઘણા બીઆરએસ નેતાઓને કોંગ્રેસમાં જોડવામાં પણ તેઓ સફળ રહ્યા હતા.
આ ચૂંટણીમાં રેડ્ડી બે બેઠકો કામારેડ્ડી અને કોડંગલથી ચૂંટણી લડ્યા હતા. કામારેડ્ડીમાં બીઆરએસમાંથી સીએમ કેસીઆર પોતે તેમના હરીફ હતા પરંતુ ભાજપના નેતા કટ્ટીપલ્લી વેંકટ રમણ રેડ્ડીએ આ બેઠક જીતી છે. જો કે રેવંત રેડ્ડી કોડંગલ સીટ પરથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે