હિંડનબર્ગ રીપોર્ટ મામલે અદાણીને અમેરિકાએ પણ ‘કલીનચીટ’નું વલણ અપનાવતા ગ્રુપના તમામ 10 શેર 7થી20 ટકા ઉછળ્યા
શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો દોર બેંક-મીડકેપ નિફટી પણ નવી ઉંચાઈએ

ભારતીય શેરબજાર રેકોર્ડબ્રેક તેજીના નવા દોરમાં હોય તેમ આજે પણ નવો વિક્રમ રચાયો હતો. સેન્સેકસ તથા નિફટી નવી ઉંચાઈએ પહોંચ્યા હતા. ઈન્વેસ્ટરોની સંપતિમાં બે લાખ કરોડથી વધુનો વધારો થયો હતો. સેન્સેકસ 69000ને પાર થયો છે. પાંચ રાજયોની વિધાનસભા ચુંટણીમાં ભાજપની પ્રચંડ જીતને પગલે શેરબજારમાં સર્જાયેલી તેજી આજે પણ આગળ ધપી હતી અને નવો ઈતિહાસ આલેખાયો હતો. વિધાનસભામાં જબરદસ્ત દેખાવ બાદ 2024ની લોકસભા ચુંટણીમાં પણ ભાજપની જીતની હાર આસાન બનવાનો આશાવાદ દ્દઢ બનતા સારી અસર થઈ હતી. ભારતીય અર્થતંત્ર ફુલગુલાબી ઝોનમાં છે અને ધારણા કરતા વ્હેલુ પાંચ ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર બની જવાના સંકેતોથી પોઝીટીવ પડઘો પડયો હતો. અદાણી ગ્રુપને ભીંસમાં મુકનાર હિડનબર્ગ રિપોર્ટને માનવનો અમેરિકાએ પણ ઈન્કાર કરીને ગ્રુપની લોન પ્રક્રિયામાં કોઈ અવરોધ નહીં સર્જાવાનો નિર્ણય જાહેર કર્યો હતો તેની અદાણી ગ્રુપ ઉપરાંત સમગ્ર માર્કેટમાં સારી અસર હતી. આ ઉપરાંત મુડીસે ચીનનું રેટીંગ ઘટાડીને નેગેટીવ કરતા વૈશ્ર્વિક રોકાણમાં ભારતને મોટો ફાયદો થવાના આશાવાદની પણ સારી અસર થઈ હતી. છેલ્લા મહિનાઓમાં જંગી વેચાણ કરનાર વિદેશી નાણાં સંસ્થાઓ હવે મોટાપાયે ખરીદી કરવા લાગી હોવાથી તેજીને ટેકો મળી ગયો હતો.
જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટને નવી ઉંચાઈએ પહોંચાડતા નવા સારા પરિબળો ઉભા થઈ રહ્યા છે અને તેનાથી જબરદસ્ત તેજી છે. ટુંકાગાળામાં કોઈ નકારાત્મક કારણો નજરે ચડતા નથી. નફારૂપી વેચવાલીથી નાનકડા કરેકશન આવે તો જુદી વાત છે બાકી ટ્રેન્ડ તેજીનો જ રહે તેમ છે. શેરબજારમાં આજે હેવીવેઈટથી માંડીને રોકડ સુધીના મોટાભાગના શેરોમાં ઉછાળો હતો તેમાં અદાણી ગ્રુપ મેદાન મારી ગયુ હતું. ગ્રુપની તમામ 10 કંપનીના શેરોમાં 7થી10 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. આ સિવાય પાવરગ્રીડ, એનટીપીસી, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, મહીન્દ્ર, મારૂતી નેસલે, રીલાયન્સ, ટાટા મોટર્સ, ટીસીએસ, ટાઈટન, એશિયન પેઈન્ટસ, એકસીસ બેંક વગેરે ઉંચકાયા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 350 પોઈન્ટના ઉછાળાથી 69216 સાંપડયો હતો જે ઉંચામાં 69381 તથા નીચામાં 68954 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 124 પોઈન્ટ ઉંચકાઈને 20810 હતો તે ઉંચામાં 20849 તથા નીચામાં 20711 હતો. બેંક નિફટીમાં પણ નવો રેકોર્ડ થયો હતો. પ્રથમ વખત 47000ને પાર થયો હતો. 597 પોઈન્ટ વધીને 47028 હતો તે ઉંચામાં 47230 તથા નીચામાં 46653 હતો. મીડકેપ નિફટી 67 પોઈન્ટ વધીને 43985 હતો તે ઉંચામાં 43187 તથા નીચામાં 43661 હતો તેમાં પણ નવી ઉંચાઈ હતી.
અદાણી ગ્રુપના કયા શેર કેટલા વધ્યા (બપોરે બે વાગ્યાના ભાવ)
કંપની — ભાવ — વૃદ્ધિ (ટકામાં) એસીસી — 2148 — 6.50 ટકા ,અંબુજા સિમેન્ટ — 506 — 6.75 ટકા ,અદાણી પોર્ટ — 979 — 11.50 ટકા , અદાણી એન્ટર — 2818 — 11.50 ટકા ,અદાણી ગ્રીન એનર્જી — 348.50 — 20 ટકા, અદાણી ટોટલ — 848 — 16 ટકા , અદાણી એનર્જી સોલ્યુશન — 1047 — 16 ટકા ,અદાણી પાવર — 497 — 7 ટકા અદાણી વિલ્મર — 375 — 8.50 ટકા , એનડીટીવી — 243 — 8.25 ટકા ,



