રાજકોટ કલેકટર તંત્ર દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવેલ જેમાં આજે જામનગર રોડ પરના ઘંટેશ્વર તેમજ મવડી વિસ્તારમાં મામલતદાર સહિતના અધિકારીઓની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી ગેરકાયદેસર દબાણો હટાવી રૂા. 35 કરોડની જમીન ખુલ્લી કરી સપાટો બોલાવી દીધો હતો.
ઘંટેશ્વરમાં સર્વે નં.150ના સરકારી ખરાબાની 4 એકર જમીન પરથી 14 ઝુંપડા તોડી પડાયા : મવડી પોલીસ લાઇન પાછળ સર્વે નં.194ની જગ્યામાંથી રેતી-કપચીનું દબાણ હટાવાયું : દબાણકારને ફટકારાતો 3 લાખનો દંડ

શહેરમાં સરકારી જમીનો પર ગેરકાયદે ખડકાયેલા દબાણોને હટાવવા માટે કલેકટર તંત્ર દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જેમાં આજે જામનગર રોડ પરના ઘંટેશ્વર તેમજ મવડી વિસ્તારમાં મામલતદાર સહિતના અધિકારીઓની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી ગેરકાયદેસર દબાણો હટાવી રૂા. 35 કરોડની જમીન ખુલ્લી કરી સપાટો બોલાવી દીધો હતો. જેમાં ઘંટેશ્વર ગામના સરકારી ખરાબાના સર્વે નં. 150 પૈકીની નવા કોર્ટ બિલ્ડીંગ પાસે આવેલી સરકારી ખરાબાની જમીન પર ખડકાયેલા 14 ઝુંપડાઓ બુલડોઝરથી તોડી પાડી ચાર એકર જમીન પરના દબાણો હટાવવામાં આવેલ હતા. આ જમીનની બજાર કિંમત રૂા. 20 કરોડ જેટલી થવા જાય છે.
ઘંટેશ્વરમાં ઓપરેશન ડિમોલીશનની કામગીરી તાલુકા મામલતદાર ચાવડા, નાયબ મામલતદાર(દબાણ) રઘુવીરસિંહ વાઘેલા, કિરીટસિંહ ઝાલા, સર્કલ ઓફિસર કથીરીયા તથા રેવન્યુ તલાટી નિલેશ વાઘેલા દ્વારા કરવામાં આવી હતી. તાલુકા મામલતદાર તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તાલુકા વિસ્તારમાં સરકારી જમીનો પર ખડકાયેલા દબાણોને હટાવવા માટે ખાસ અભિયાન શરૂ કર્યુ છે. જેમાં આજે ઘંટેશ્વર વિસ્તારમાં સરકારી ખરાબાની જમીન પર ખડકાયેલા 9 ઝુંપડાના દબાણો હટાવી 15 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
આવી જ રીતે શહેરના મવડી વિસ્તારમાં પણ દક્ષિણ મામલતદાર કાકડીયા, સર્કલ ઓફિસર એ.જે.જાડેજા સહિતના અધિકારીઓએ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે ત્રાટકી આ વિસ્તારમાં 1000 થી 1200 સ્કે.મીટર જગ્યામાં રેતી-કપચીનું દબાણ હટાવી 15 કરોડની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
મવડી પોલીસ લાઇન પાછળ હેમાદ્રી એપાર્ટમેન્ટ નજીક સર્વે નં. 194 પૈકીની આ જગ્યામાં આ ઓપરેશન ડિમોલીશન કરવામાં આવેલ હતું. જેમાં સરકારી જમીન પર રેતી-કપચીનો માલ રાખી દબાણ રાખવા સબબ આસામીને રૂા. 3 લાખનો દંડ પણ ફટકારવામાં આવેલ હતો.
આમ રાજકોટ જિલ્લા કલેકટર તંત્રના અધિકારીઓની ટીમે આજે ઘંટેશ્વર અને મવડી વિસ્તારમાં ત્રાટકી સરકારી જમીન પરના દબાણો હટાવીને સપાટો બોલાવી દીધો હતો. આજની આ ડિમોલીશનની કાર્યવાહીમાં બંને જગ્યા પરથી 3પ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.



