મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં મલિકને લઈને બે ડેપ્યુટી CM વચ્ચે તકરાર ફડણવીસના પત્રનો અજિત જૂથે આપ્યો સણસણતો જવાબ

મહારાષ્ટ્રનું રાજકારણ અવારનવાર ચર્ચામાં રહે છે. ક્યારેક શિવસેના તો ક્યારેક એનસીપીની બે ફાડ પડવાનો મામલો સતત હેડલાઈન્સમાં રહે છે. આ વચ્ચે હવે મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ સરકાર

મહારાષ્ટ્રનું રાજકારણ અવારનવાર ચર્ચામાં રહે છે. ક્યારેક શિવસેના તો ક્યારેક એનસીપીની બે ફાડ પડવાનો મામલો સતત હેડલાઈન્સમાં રહે છે. આ વચ્ચે હવે મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ સરકાર વચ્ચે તકરાર જોવા મળી રહ્યો છે. કારણ કે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે બીજા ડેપ્યુટી સીએમ અજિત પવારને પત્ર લખીને નવાબ મલિક અંગે પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, નવાબ મલિક પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે અને તેમને સત્તાધારી ગઠબંધન ‘મહાયુતિ’માં સામેલ કરવા યોગ્ય નથી.

વાસ્તવમાં, કથિત મની લોન્ડરિંગ કેસમાં જામીન પર બહાર આવેલા મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને વરિષ્ઠ એનસીપી નેતા નવાબ મલિક 7 ડિસેમ્બરના રોજ પહેલીવાર મહારાષ્ટ્ર વિધાનસભાના સત્રમાં સામેલ થયા. નાગપુરમાં ચાલી રહેલા શિયાળુ સત્રના પ્રથમ દિવસે તેઓ અજિત પવારની આગેવાની હેઠળના જૂથના સભ્યોની બાજુમાં પાછળની હરોળની બેન્ચ પર બેઠેલા જોવા મળ્યા. આ પહેલા 64 વર્ષીય નવાબ મલિકનું અજિત પવારની આગેવાની હેઠળના NCP નેતા અનિલ પાટીલે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

હવે દેવેન્દ્ર ફડણવીસે આ અંગે વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે અજિત પવારને પત્ર લખીને કહ્યું કે, “સત્તા આવે છે અને જાય છે પરંતુ દેશ મહત્વપૂર્ણ છે. જો તેમની પર (નવાબ મલિક) લાગેલા આરોપો સાબિત ન થાય તો આપણે તેમનું સ્વાગત કરવું જોઈએ. પરંતુ અમારો સ્પષ્ટ અભિપ્રાય છે કે જ્યારે તેમના પર આવા આરોપો લાગ્યા છે તો તેમને આપણા ગઠબંધનનો ભાગ બનાવવા યોગ્ય નથી.”

આ પત્ર બાદ અજિત પવાર જૂથની પ્રતિક્રિયા આવી છે. અજિત પવારના પ્રવક્તા સૂરજ ચૌહાણે કહ્યું કે, તેઓ નવાબ મલિકનું સમર્થન કરે છે. એવું કહેવામાં આવ્યું છે કે આ તેમની પાર્ટીની ઈચ્છા છે. પ્રવક્તાએ વધુમાં કહ્યું કે કોર્ટ દ્વારા ખોટા જાહેર કરવામાં આવે તે પહેલા કોઈને દેશદ્રોહી અથવા દોષિત કહેવા યોગ્ય નથી. અજિત જૂથે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ નવાબ મલિક સાથે છે.

મહા વિકાસ આઘાડી સરકારમાં એનસીપી ક્વોટામાંથી મંત્રી રહેલા નવાબ મલિક મૂળ ઉત્તર પ્રદેશના છે. તેમનો આખો પરિવાર 1970માં યુપીથી મુંબઈ શિફ્ટ થયો હતો. તેમણે મુલાયમ સિંહ યાદવની સમાજવાદી પાર્ટી સાથે પોતાની રાજકીય સફર શરૂઆત કરી હતી. બાદમાં શરદ પવારની ટીમમાં જોડાયા. NCPમાં સંગઠન સ્તરે કામ કર્યું. નવાબ મલિક પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. મલિકે 1996માં મહારાષ્ટ્રની મુસ્લિમ પ્રભુત્વવાળી નહેરુ નગર બેઠક પરથી પેટાચૂંટણીમાં સપાની ટિકિટ પર પ્રથમ વખત ચૂંટણી લડી હતી અને જીતી હતી. જે બાદ મુલાયમની નજીકના નેતાઓમાં તેની ગણતરી થવા લાગી. 1999ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ફરીથી સપાની ટિકિટ પર નેહરુ નગર બેઠક પરથી જીત્યા.

2004માં મલિક શરદ પવારની NCPમાં જોડાયા અને નેહરુ નગર બેઠક પરથી જીતની હેટ્રિક બનાવી. 2009ની વિધાનસભા ચૂંટણીમાં સીમાંકન પછી મલિક અનુશક્તિ નગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને સતત ચોથી વખત ધારાસભ્ય બન્યા. 2014ની ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવારે અનુશક્તિનગર બેઠકને નજીવા માર્જિનથી હરાવ્યા હતા. મલિક ફરીથી 2019ની ચૂંટણી લડ્યા અને પાંચમી વખત ધારાસભ્ય બન્યા. 2020માં તેઓ એનસીપી મુંબઈના અધ્યક્ષ પણ બન્યા હતા. તેઓને એનસીપી ચીફ શરદ પવારના ખૂબ જ નજીકના માનવામાં આવે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button