ભારતીય શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો દોર જારી રહ્યો છે.સેન્સેકસ-નીફટી સહીત વિવિધ ઈન્ડેકસ નવા-નવા શિખરને સર કરી રહ્યા છે.
નિષ્ણાંતોનાં મતે માર્કેટને અસરકર્તા વિવિધ પરિબળો ઘણા સ્ટ્રોંગ આવતા ડીસેમ્બર સુધીમાં સેન્સેકસ 80,000 ને આંબશે: અત્યારે તેજીની ઓવરસ્પીડ એટલે સાવચેતીની સલાહ

ભારતીય શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો દોર જારી રહ્યો છે.સેન્સેકસ-નીફટી સહીત વિવિધ ઈન્ડેકસ નવા-નવા શિખરને સર કરી રહ્યા છે. ત્યારે આ તેજી હજુ કેટલી ચાલશે? કે કરેકશન આવશે? સહીતના સવાલો બ્રોકરોથી માંડીને ઈન્વેસ્ટરોના મનમાં ઉદભવવા લાગ્યા છે. જયારે કેટલાંક માર્કેટ એકસપર્ટ એવો દાવો કરી રહ્યા છે, કે તેજીનું આ માત્ર ટ્રેલર છે અને ‘ગ્રાંડ ફીનાલે’ હજુ બાકી છે.
શેરબજારનો સેન્સેકસ શુક્રવારે ઈતિહાસમાં પ્રથમ વખત 71000 ને પાર થયો હતો 969 પોઈન્ટના ઉછાળાથી 71483.75 ના રેકોર્ડ સ્તરે બંધ આવ્યો હતો.ઈન્ટ્રા-ડે 1091 પોઈન્ટનો ઉછાળો સુચવતો હતો જે પછી આંશીક નીચો આવ્યો હતો. શુક્રવારે એક જ દિવસમાં ઈન્વેસ્ટરોની સંપતીમાં 2.76 લાખ કરોડનો વધારો થયો હતો. ચાલુ સપ્તાહની વાત કરવામાં આવે તો પાંચ દિવસમાં ઈન્વેસ્ટરોને 8.55 લાખ કરોડની કમાણી થઈ છે.
જયારે ચાલુ મહિનામાં રોકાણકારોની સંપતિમાં 22 લાખ કરોડનો વધારો થયો છે. મુંબઈ શેરબજારમાં લીસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ 357.78 લાખ કરોડે પહોંચ્યું હતુ. શેરબજારની પ્રવર્તમાન વિક્રમી તેજી પાછળ અનેક લોકલ તથા વૈશ્ર્વીક પરિબળો કારણરૂપ ગણવામાં આવી રહ્યા છે. ઘરઆંગણે રાજકીય સ્થિરતા તથા આર્થિક વિકાસદર મોટા પોઝીટીવ પરિબળ બન્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં ભાજપના જબરજસ્ત વિજયના આધારે એવી દ્રઢ આશા વ્યકત થવા લાગી હતી કે લોકસભાની આગામી ચૂંટણીમાં પણ ભાજપ સરળતાથી જીત મેળવી જશે અને દેશમાં રાજકીય સ્થિરતા રહે છે.
આ સિવાય દુનિયાભરમાં ભારતનો આર્થિક વિકાસ દર બેજોડ રહેવાના નિષ્ણાંતોનાં રીપોર્ટનો પ્રભાવ હતો.આ ઉપરાંત ક્રુડતેલ ઘટીને 76 ડોલર થતા મોંઘવારી સામેનાં મોરચામાં રાહત મળવાનો આશાવાદ હતો. વિદેશી નાણા સંસ્થાઓ ફરી ભારતીય માર્કેટમાંથી જંગી ખરીદી કરવા લાગી હોવાના રીપોર્ટની સારી અસર હતી. શૂક્રવારે વિદેશી સંસ્થાઓએ 9000 કરોડથી અધિકની ખરીદી કરી હતી.
શેરબજારની તેજી હજુ જારી જ રહેવાની નિષ્ણાંતો આગાહી કરી રહ્યા છે. ભારતીય મેક્રોઈકોનોમીકસ ડેટા સ્ટ્રોંગ છે. વિશ્વ સ્તરે પણ કોઈ ચિંતા નથી. વિદેશી સંસ્થાઓ પણ જંગી ખરીદી કરતી હોવાથી તેજીમાં નવી છલાંગ લાગી હતી.
શેરબજારમાં ટોચના ઈન્વેસ્ટરોના લીસ્ટમાં સ્થાન ધરાવતાં નિષ્ણાંત વિજય કેડીયાનાં કહેવા પ્રમાણે છેલ્લા બે વર્ષ દરમ્યાન અનેક વૈશ્વિક સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો. હવે વૈશ્વિક સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો. હવે વૈશ્વિક માહોલ પોઝીટીવ બની ગયો છે. માર્કેટ માટે ‘અમૃતકાળ’ ચાલી રહ્યો છે. આવતા ડીસેમ્બર સુધીમાં 80,000 ને આંબી શકે છે. જોકે અત્યારે તેજીની ઓવરસ્પીડ હોવાથી થોડી સાવચેતી રાખવાનો સમય છે.
એચડીએફસી સિકયોરીટીઝનાં સીઈઓ ધીરજ રૈલીનાં કહેવા પ્રમાણે સ્ટ્રોંગ વૈશ્વિક સંકેતો ભાજપનો ચૂંટણીમાં દમદાર દેખાવ તથા ક્રુડ તેલનાં ભાવ ઘટાડાથી શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજી થઈ છે. 2024 ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપની જીત અને રાજકીય તથા નીતિગત સ્થિરતા જળવાવાનો આશાવાદ છે. ભારતનો આર્થિક વિકાસ તથા અમેરીકામાં વ્યાજ ઘટાડાના સંકેતોથી જશ્નનો માહોલ સર્જાયો છે.
જાણીતા બ્રોકીંગ હાઉસ મોતીલાલ ઓસવાલના ચેરમેન રામદેવ અગ્રવાલનાં કહેવા પ્રમાણે ભારતની ક્રેડીટ કોસ્ટ સાયકલ ઘણી મજબુત છે. રીટેઈલ લીકવીડીટી કંપનીઓના અફલાતુન પરિણામો, ભારતીય જીડીપી વિકાસમાં વૃદ્ધિ જેવા પરિબળો પરથી એવુ તારણ નીકળે છે કે તેજીનો ગ્રાન્ડ ફીનાલે હજુ બાકી છે.



