બ્રેકીંગ ન્યુઝ

વિધાનસભામાં અપક્ષ ચુંટાયેલા ત્રણ ધારાસભ્યો પણ ભાજપ સાથે વિધિવત રીતે જોડાશે ત્યાં કોંગ્રેસને વધુ એક આંચકો , વિજાપુરના ધારાસભ્ય CJ ચાવડા પણ કેસરીયાના માર્ગે

‘રામ’ નામ પર સર્વપ્રથમ ટવીટ કરનાર મોઢવાડીયાને આવકારવા ભાજપ પણ ઉત્સુક: ઉનાના પુર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ પણ સાથે જોડાશે

ગુજરાતમાં ઓપરેશન લોટસમાં હવે કોંગ્રેસના ગઢના વધુ કાંગરા ખડવા લાગ્યા છે અને પહેલા વિસાવદરની બેઠક પરથી ચુંટાયેલા આપ ના ધારાસભ્ય ભુપત ભાયાણીએ પક્ષ તથા વિધાનસભામાંથી રાજીનામુ આપી આજે તેઓ પોતાના મતક્ષેત્રમાં જઈને વિધિવત રીતે ભાજપમાં જોડાશે તો ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચીરાગ પટેલે પણ તા.20 ડિસેમ્બરના વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ સુપ્રત કરી કોંગ્રેસ પણ છોડયા બાદ હવે ભાજપમાં જોડાશે તે નિશ્ચિત છે. વિધાનસભામાં અપક્ષ ચુંટાયેલા ત્રણ ધારાસભ્યો પણ ભાજપ સાથે વિધિવત રીતે જોડાશે ત્યાં કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે અને હવે અગાઉ ગાંધીનગર ઉતર અને હવે વિજાપુરની બેઠક પરથી 2022માં ચુંટણી જીતનાર સી.જે.ચાવડા પણ વિધાનસભા તથા પક્ષ છોડીને કેસરીયા કરવા જઈ રહ્યા હોવાના સંકેત છે. શ્રી ચાવડા કોંગ્રેસને લડવૈયા જેવી છાપ ધરાવે છે.

2017માં તેઓએ ગાંધીનગર ઉતર બેઠક જીતી હતી અને 2022માં વિજાપુર બેઠક પર વિજય મેળવ્યો હતો. હવે તેઓ આ બેઠક છોડશે અને માનવામાં આવે છે કે તેઓને લોકસભા ચુંટણી સાથે યોજાઈ શકતી પેટાચુંટણીમાં આ બેઠક પર જ ફરી ભાજપ ટિકીટ આપી ચુંટણી લડાવશે.

કોંગ્રેસમાં આ રીતે ટુંકા ગાળામાં બે ધારાસભ્યોએ પક્ષ છોડયો છે અને હજુ વધુ પક્ષ છોડશે. ખાસ કરીને અયોધ્યામાં ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ છતા હાજરી નહી આપવાના પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લીકાર્જુન ખડગે, સોનિયા ગાંધી તથા સાંસદ અધિર રંજન ચૌધરીએ લીધેલા નિર્ણયથી પક્ષમાં મોટી નારાજગી છે અને ગુજરાતમાં આ સામે સૌ પ્રથમ ટવીટ કરી પોતાનો અસંતોષ જારી કરનાર પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા પણ હવે ‘કમલમ’નો માર્ગ પસંદ કરે તો આશ્ચર્ય થશે નહી.

મોઢવાડીયાના આગમનથી ભાજપને પોરબંદર લોકસભા બેઠક વધુ આસાન બની જશે તો ઉના વિધાનસભા બેઠકના પુર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ પણ ભાજપમાં જોડાશે તેવી અટકળો છે. તેઓ 2022માં આ બેઠક ભાજપના કનુભાઈ રાઠોડ સામે હારી ગયા હતા પણ તેઓ ઉના સહિતના પંથકના મજબૂત અગ્રણી ગણાય છે.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button