ભાજપે ચુંટણી તૈયારીઓ શરૂ કરી ગાંધીનગર લોકસભા ચુંટણી કાર્યાલય સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજરી આપશે
તમામ બેઠકો પર નડ્ડાનું વર્ચ્યુઅલ સંબોધન: રાજયના મંત્રીઓ પ્રદેશ અગ્રણીઓને 26 બેઠકો ફાળવાઈ

અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સાથે જ દેશમાં એક સમરસનું વાતાવરણ બની ગયું છે અને તેના 24 કલાકમાંજ ભાજપે ગુજરાતમાં લોકસભા ચુંટણીની તૈયારીમાં નગારે ઘા કરતા તમામ 26 લોકસભા બેઠક પર ચુંટણી કાર્યાલયનો પ્રારંભ કરીને વિપક્ષો માટે મેદાનમાં આવવા જ ન દેવા જેવી સ્થિતિ બનાવી છે. આજે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાના હસ્તે રાજયમાં 26 લોકસભા બેઠકો પર એકી સાથે મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનો પ્રારંભ કર્યો છે જેમાં ગાંધીનગર જે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહનો મતક્ષેત્ર છે.
તેના ઉદઘાટનમાં શ્રી નડ્ડા હાજર રહેશે અને ત્યાંથી તમામ કાર્યાલયો પર તેઓ વર્ચ્યુઅલ હાજરી આપીને સંબોધન કરશે. રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ દેશમાં આ રીતે ભાજપે ગુજરાતથી જ તેનો પ્રચારનો પ્રારંભ કરવાનો નિર્ણય લીધો છે તે પણ સૂચક છે. અમદાવાદમાં થલતેજમાં એસ.જી. હાઈવે પર ગાંધીનગર બેઠક પર યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ પણ હાજર રહેશે.
તો અન્ય તમામ 25 બેઠકો પર કાર્યાલયના ઉદઘાટન માટે રાજયના મંત્રીઓ તથા પ્રદેશ કક્ષાના નેતાઓને જવાબદારી સોંપાઈ છે. ભાજપે આ બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા વગર જ ચુંટણી કાર્યાલય ખોલવાનો નિર્ણય લઈને નવી પ્રચાર વ્યુહ રચના અપનાવી છે ને તેઓ હવે આગળ વધીને આગામી માસમાં દરેક લોકસભા બેઠક હેઠળ આવતી ધારાસભા બેઠક પર પણ કાર્યાલય ખોલી નાખશે. આગામી માસમાંજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને અમીત શાહ બન્ને ગુજરાત આવી રહ્યા છે તે પુર્વે આ રીતે ચુંટણી સજજતા મેળવશે.



