12 ફેબ્રુઆરીથી દેશના ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે, દેશની રાજધાની દિલ્હીમાં દિવસ દરમિયાન તડકો રહેશે પરંતુ સવારે ધુમ્મસ રહેશે
ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના
દેશમાં બદલાતા વાતાવરણ વચ્ચે ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીથી રાહત મળી છે. જોકે હવે એવું સામે આવ્યું છે કે, દેશનું હવામાન ફરી બદલાશે. હવામાન વિભાગનું કહેવું છે કે, 12 ફેબ્રુઆરીથી દેશના ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
કેવું રહેશે દિલ્હીનું હવામાન?
દેશની રાજધાની દિલ્હીમાં દિવસ દરમિયાન તડકો રહેશે પરંતુ સવારે ધુમ્મસ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14 ફેબ્રુઆરીએ દિલ્હીમાં હળવો વરસાદ થઈ શકે છે. IMD અનુસાર આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીનું લઘુત્તમ તાપમાન 8 થી 11 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. મહત્તમ તાપમાન 24 થી 26 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશામાં 12 થી 13 ફેબ્રુઆરી વચ્ચે હળવો વરસાદ થઈ શકે છે. દક્ષિણ ઉત્તર પ્રદેશ, દક્ષિણ બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 12 થી 14 ફેબ્રુઆરી દરમિયાન હળવા વરસાદની સંભાવના છે. આ સિવાય આજે તેલંગાણામાં એક-બે જગ્યાએ હળવો વરસાદ થવાની શક્યતા છે. જ્યારે આગામી 2 થી 3 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.



