વેરાવળ બંદરેથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ ,
રાજકોટ મોકલાય તે પૂર્વે જ પોલીસનો સપાટો : સુત્રધાર સહિત 9 ઝબ્બે

રાજયના હેરોઇન અને ડ્રગ્સ સામે ચાલી રહેલ જનજાગૃતિ અને અભિયાનના ભાગરૂપે ગુજરાત પોલીસ છેલ્લા ઘણા સમયથી એલર્ટ મોડમાં હોય તેવામાં વેરાવળ બંદરે હેરોઇનનો મોટો જથ્થો આવી રહ્યો હોવાની બાતમી આધારે એલસીબી અને એસઓજીએ નલીયા ગોદી બંદર વિસ્તારમાં વોચ ગોઠવી 250 કરોડના હેરોઇનનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મેળવી છે. આ અંગેની વિગતો અનુસાર ગીર સોમનાથ એલસીબી અને એસઓજી ટીમે બાતમી આધારે વોચ ગોઠવી વેરાવળ ગોદી વિસ્તારમાં મારૂતિ કાર નં. જીજે 03 એસી 7697ને અટકાવી તલાટી લેતા તેમાંથી પાર્સલમાં છુપાવેલ હેરોઇનનો જથ્થો મળી આવતા કારમાં બેઠેલા આસીફ ઉર્ફે કારા જુસબ સમા (રહે. જામનગર), અરબાઝ અનવર પમા (રહે. જામનગર) અને ધરમેન બુધ્ધિલાલ કશ્યપ (રહે. મહમદપુર, નરવાલ, ઉતરપ્રદેશ)ને ઝડપી લઇ પુછપરછ કરતા આસીફે આ પાર્સલ રાજકોટ પહોંચાડવાની કબુલાત આપી હતી.
આ પાર્સલ પહોંચવા તેમને રૂા. 50 હજાર પણ ટ્રીપના મળવાના હતા. આ ત્રણેની પુછપરછ દરમ્યાન ખુલ્યુ હતું કે જામનગરનો આસીફ જામનગરથી રાજકોટ ઇકોમાં ડ્રાઇવીંગનો ધંધો કરતો હોય, બે વર્ષ પહેલા એક પેસેન્જરની સામે એક પાર્સલ માળીયા (મીયાણા) આપવાના બદલામાં 20 હજાર આપેલ હતા. બાદમાં આ ઇસમે વોટસએપ કોલ મારફત કોન્ટેકટ કરી પાર્સલ રાજકોટ પહોંચાડવા માટે રૂા. 50 હજાર આપવાની વાત થતા આસીફ તેનો મિત્ર અરબાઝ બંને વેરાવળમાં પોતાના શેઠની કાર ઉછીની માંગી લોકેશન વોટસએપ મારફત મળે તે સ્થળે પહોંચેલ ત્યારે ધરમેન બુધ્ધિલાલ કશ્યપ કારમાં પાર્સલ મુકી જતો રહેલ બાદમાં કારમાં રાજકોટ તરફ આવવા રવાના થતા જ એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચે તેમને ઘેરી લઇ કાર અને હેરોઇન કબજે લઇ આગવી ઢબે પુછપરછ કરતા ભાંગી પડેલા આસીફે પોપટ બની હજુ વધુ જથ્થો બોટમાં હોવાનું જણાવ્યું હતું.
બાદમાં પોલીસે બોટમાં સંતાડેલ વધુ એક બાચકુ કબ્જે લઇ સજજકુમાર ભગવાનદીપ મીસાર (રહે. કાનપુર), વિષ્ણુ શંકરસાદ નિસાર (રહે. સિંકદરા), રોહિત સુખુ નિસાર (રહે. કાનપુર), રાહુલ ગોરેલાલ કશ્યપ (રહે. રામપુર- ઉતરપ્રદેશ)ને ઝડપી લઇ તેમની પાસેથી ફીશીંગ બોટ, મોબાઇલ નંગ 3, થુરાયા સેટેલાઇટ ફોન નંગ 1 મળી કુલ રૂા. 250,18,12,000નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
મુખ્ય સુત્રધાર ધરમેન બુધ્ધિલાલ કશ્યપના કબ્જામાંથી કુલ 24 કિલોના પેકેટ મળી આવ્યા હતા જે બાબતની પુછપરછમાં તેમણે જણાવેલ કે ફિશીંગ દરમ્યાન ઓમાન દેશની દરિયાઇ હદમાં પોતે ફીશીંગ કરવા ગયેલ તે દરમ્યાન એક અજાણ્યા શખ્સ સાથે વોટસએપના માધ્યમથી એકબીજાના કોન્ટેકમાં હતા ત્યારે અજાણ્યા ઇસમે તેમને 1500થી 1700 કિલો મચ્છી મફતમાં આપી બદલામાં પાર્સલના બે બાચકા ગુજરાત બંદરે પહોંચાડવા રૂા. 50 હજારની લાલચ આપી હતી. જે લાલચમાં આવી જઇ તેણે બે બાચકા પાર્સલ પોતાની બોટમાં લઇ તા.22ના રોજ સવારે વેરાવળ બંદરે બોટ લઇને આવેલ અને વોટસએપના માધ્યમથી જામનગરના આસીફનો કોન્ટેક કરી તેની કારમાં એક બાચકુ મુકી દીધુ હતું.
આરોપીઓની વિશેષ પુછપરછમાં આસીફને વોટસએપ કોલ મારફત એક પાર્સલ રાજકોટ મુકવાનું હતું અને તેના બદલામાં રૂા.50 હજાર મળવાના હતા. રાજકોટમાં આ પાર્સલ કયા પહોંચાડવાનું હતું ? કોને આપવાનું હતું ? કયા સ્થળે અને કોને આપવાનું હતું તે દિશામાં તપાસ આગળ ધપી રહી છે. કચ્છ, દ્વારકા, મોરબી બાદ હવે વેરાવળ બંદરે પણ ડ્રગ્સનો જથ્થો મળી આવતા આગામી દિવસોમાં આ અંગેની તપાસમાં એટીએસ ઝંંપલાવે તેવી સંભાવના છે.
વેરાવળમાંથી પકડાયેલા 250 કરોડની કિંમતના હેરોઇન અને તેના નેટવર્ક મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસના સુત્રોએ જણાવ્યું કે રાજકોટ ડીલીવરી કરવા નીકળી રહેલા ટેક્સીચાલક આસીફે અગાઉ પણ રહસ્યમય પાર્સલની ડીલીવરી કરી હોવાનો ખુલાસો કર્યો છે. જામનગરમાં રહેતા અને ટેક્સી ચલાવતા આસિફના વાહનમાં મુસાફર તરીકે આવતા ધર્મેન્દ્ર નામના શખ્સનો તેનો પરિચય થયો હતો આસિફે પોલીસ સમક્ષ એવું કબુલ્યું કે બે વર્ષ પૂર્વે પણ તેને આ પ્રકારની ડીલીવરી કરવાનું કામ અપાયું હતું. તે વખતે રૂા.20 હજારમાં માળીયા મીયાણા ખાતે પાર્સલની ડીલીવરી કરી હતી. આ વખતે રૂા.50 હજાર નક્કી કરવામાં આવ્યા હતાં.
પોલીસના સુત્રોએ જણાવ્યું હતું કે ડ્રગ્સના ધંધામાં સામેલ શખ્સો પોલીસ અને સુરક્ષા એજન્સીઓની ભીંસથી બચવા માટે નોર્મલ ફોનની બદલે વોટ્સએપ કોલનો ઉપયોગ કરતાં હતા. ડ્રગ્સ કાંડના સુત્રધારે ટેક્સ ડ્રાઇવરનો સંપર્ક પણ વોટ્સએપ કોલથી કર્યો હતો અને વોટ્સએપ મારફત લોકેશન શેર કર્યા હતાં. સુરક્ષા તંત્રથી બચવા માટે આ પ્રયાસ પણ સફળ થયા ન હતા. કારણ કે પોલીસને બાતમી મળી ગઇ હતી અને 250 કરોડનો કેફી દ્રવ્યોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.
ઓમનથી દરિયાઇ માર્ગે વેરાવળ સુધી હેરોઇનના પાર્સલ લાવનાર સુત્રધારે પોલીસ સમક્ષ એવું કબુલ્યું કે ડ્રગ્સ માફીયાએ બંને પાર્સલ વેરાવળ પહોંચાડવા માટે રૂા.50 હજાર આપવાનું ઠરાવ્યું હતું. પોતે સલામત રીતે પાર્સલ વેરાવળ લાવી દીધા હતા છતાં ડ્રગ્સ માફીયાએ નાણાં નહીં મોકલતા પોતાને શંકા ગઇ હતી. 50 કિલો હેરોઇન સાથેના બંને પાર્સલ વાસ્તવમાં રાજકોટ જ મોકલવાના હતા પરંતુ નાણાં નહીં મળ્યા હોવાના કારણે બેમાંથી એક પાર્સલ પોતે વેરાવળ બંદર ખાતેથી જ બોટમાં છુપાવી દીધું હતું અને નાણાં મળ્યા બાદ તે આપવાનું વિચાર્યું હતું પરંતુ તે પૂર્વે જ પોલીસ ત્રાટકી હતી.