ગુજરાતમાં માંડ પેપર લીકેજ અટક્યું તો ઉત્તરપ્રદેશમાં સૌથી મોટી પરીક્ષામાં પ્રશ્ર્ન જવાબ વાયરલ થયા
તાત્કાલીક પરીક્ષા રદ કરાઇ : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા તપાસ માટે સીટની રચના
રાજ્યમાં પોલીસ વિભાગમાં તેમજ સ્પે. ટાસ્ક ફોર્સની 60244 જગ્યા માટે 50 લાખ જેટલા યુવાન-યુવતીઓએ ઉમેદવારી નોંધાવી હતી અને 48 લાખ પરીક્ષાર્થીઓ ખરેખર પરીક્ષા આપવા બેઠા હતા. પરંતુ પરીક્ષાનું પેપર જ જવાબ સાથે લીક થઇ જતા અને તે વાઇરલ થતાં જબ્બરો હોબાળો મચી ગયો હતો અને યોગી સરકારની પ્રતિષ્ઠા સામે પ્રશ્નો ઉભા થઇ ગયા હતા. બાદમાં મુખ્યમંત્રીએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને હવે બે દિવસમાં લેવાયેલી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે.
રાજ્યના કૃષ્ણનગરમાં એક પરીક્ષાર્થી પાસેથી લીક થયેલા પેપર અને જવાબ મળી આવ્યા હતા. અને તેથી આ એક સુનીયોજીત રીતે આખુ પેપર લીક થયું હોવાનું બહાર આવ્યું હતું.
જો કે હજુ સુધીમાં આ અંગેની કોઇની ધરપકડ થઇ નથી પણ મુખ્યમંત્રી યોગીએ સ્પે. ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી છે અને પેપર લીક કરનાર સામે આકરી કાર્યવાહીની ખાતરી આપી છે.
જો કે લગભગ એક વર્ષ રાહ જોવડાવ્યા બાદ પેપર લીક થતાં હજારો પરીક્ષાર્થીઓ ઉશ્કેરાયા હતા અને ઉત્તર પ્રદેશમાં અનેક સ્થળોએ દેખાવો કરતાં પોલીસ એક્શનમાં આવી હતી અને 300થી વધુ પરીક્ષાર્થીઓની અટકાયત કરી છે.



