દેશમાં સાચા કામ યોગ્ય સમયે કરાવવા પણ હવે લાંચ આપવી પડે છે ભ્રષ્ટાચાર જ સર્વોપરી પ્રમાણિકતાને મૂર્ખતામાં ખપાવાય છે કોર્ટ
ટેક્ષ કેસની પતાવતમાં રૂા.50000ની લાંચ લેનાર આવકવેરાના બે પુર્વ અધિકારીઓને ત્રણ-ત્રણ વર્ષની સજા ફટકારતી ખાસ સીબીઆઈ કોર્ટ
ગઈકાલે જ સર્વોચ્ચ અદાલતે સાંસદો-ધારાસભ્યો ધારાગૃહમાં ભાષણ આપવા- પ્રશ્નો પૂછવા કે ચોકકસ પ્રકારે મતદાન કરવા બદલ નાણા લે કે તેના નાણાકીય લાભ મેળવે તો તેમને બંધારણની જોગવાઈ મુજબ કાનુની સુરક્ષા મળી શકે નહી તેવા આપેલા ચૂકાદાની ચર્ચા દેશભરમાં છે તે સમયે અમદાવાદની ખાસ સીબીઆઈ કોર્ટ ભ્રષ્ટાચાર બદલ આવકવેરા વિભાગના બે અધિકારીઓને દોષિત ગણાવી સજા આપતા સમયે ખૂબજ કટાક્ષ સાથે નિરીક્ષણ વ્યક્ત કર્યુ કે, ભ્રષ્ટાચાર એટલો વ્યાપક બની ગયો છે કે હવે ઈમાનદારી એ મુર્ખતામાં ખપાવાઈ રહી છે. ગઈકાલે સુપ્રીમ કોર્ટે પણ તેની ટીપ્પણીમાં કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચાર કે અનૈતિકતાને કાનુની સુરક્ષા મળી શકે નહી પછી તે સાંસદો કે ધારાસભ્યો હોય અને ધારાગૃહોની અંદરની હરકતોથી પણ આ પ્રકારના કૃત્યો કર્યા હોય તો પણ તે કાનુની રીતે સ્વીકાર્ય નથી તે સ્પષ્ટ કર્યુ હતું.
જયારે ખાસ સીબીઆઈ કોર્ટે આવકવેરાના બે પુર્વ અધિકારી મહેશ સોમપુરા અને મુકેશ રાવલને 2011માં એક ટેક્ષ વિવાદમાં યુગલ પાસેથી રૂા.1.75 લાખની લાંચ માંગ્યા બાદ તે રૂા.50000માં પુરો કરવા માટે નાણા લેતા રંગે હાથ ઝડપી લેવાયા હતા. તેઓને દોષિત ગણીને બન્નેને ત્રણ-ત્રણ વર્ષની જેલ સજા તથા દરેકને રૂા.50000નો દંડ ફટકાર્યો હતો.
આ ચૂકાદો આપતા સમયે ખાસ સીબીઆઈ કોર્ટના ન્યાયમૂર્તિએ જણાવ્યું કે ભ્રષ્ટાચાર હવે દેશમાં એક રાક્ષસ બની ગયો છે. જેમાં ભ્રષ્ટાચાર અને સિદ્ધાંતો સાથે કામ કરે છે તેઓને સ્વીકાર્ય ગણાતા નથી અને રાજયના આધુનિક સમયમાં મુર્ખમાં બચાવી દેવાય છે.
ભારતમાં હવે સાચા કામ સાચા સમયે કરાવવા માટે પણ લાંચ આપવી પડે છે. બન્ને પુર્વ અધિકારીઓએ તેમની મોટી ઉંમરનો ખ્યાલ રાખી દવાની માંગણી કરી હતી પણ અદાલતે તે ફગાવતા કહ્યું કે જો આ માંગણી સ્વીકારાય તો ન્યાયની મજાક જ ગણાશે અને જો ઓછી સજા કરાય તો દેશના ન્યાયતંત્ર સામે પણ પ્રશ્ન સર્જાશે. લોકો અદાલતોમાં વિશ્વાસ ગુમાવી દેશે.
અધિકારી વતી જે શબ્દો અને રજુઆત થઈ છે તે પસ્તાવો નથી તેથી હું જો આવશ્યકતા વગરની સહાનુભૂતિ બતાવું તો તે અપુરતી સજા એ ન્યાયીક પ્રક્રિયાને વધુ હાની પહોંચાડશે અને કાનૂનની અસરકારકતામાં લોકોનો વિશ્વાસ પણ ઘટશે.
ખોટી રીતે ખોટા કારણોસર દર્શાવાયેલી સહાનુભૂતિ એ આ ચૂકાદાની શ્રેધ્યાતા સામે પ્રશ્ન સર્જશે. બન્ને અપરાધીઓ હવે 73 વર્ષના થયા છે અને નિવૃત જીવન વિતાવે છે તેથી તેઓને સુધરવાની તક આપવાનો કોઈ પ્રશ્ન જ નથી.



