એફબીઆઈને વિસ્તૃત માહિતી છતાં પણ પગલા લેવાતા નથી ભારતીય સમાજના અગ્રણીઓ દ્વારા આક્રોશ
અમેરિકામાં પણ હિન્દુ-જૈન સમુદાય અને મંદિરો પર ખાલીસ્તાની હુમલા વધ્યા

કેનેડામાં ભારત વિરોધી ખાલીસ્તાની સંગઠનોના ત્રાસવાદીઓને શરણ અપાતુ હોવાના પુરાવા છતા પણ આ દેશની સરકારે કોઈ પગલા લીધા નથી તે વચ્ચે જ હવે અમેરિકાની ધરતીનો પણ ભારત વિરોધી આતંકી ગતિવિધિ માટે ઉપયોગ થઈ રહ્યા હોવાનું ખુદ અમેરિકી એજન્સી એફબીઆઈએ સ્વીકાર્યુ છે અને તેમાં મૂળ ભારતીય લોકોની જ સંડોવણી હોવાનું બહાર આવ્યુ છે.
ખાસ કરીને અમેરિકામાં વસતા હિન્દુઓ અને જૈન સમુદાયને લોકો સામે છેલ્લા બે મહિનામાં હુમલાઓ વધ્યા છે જેના કારણે ડરનો માહોલ છે. ખાલીસ્તાની તરફી લોકો સ્કુલો તેમજ ભારતીયની માલિકીના જનરલ સ્ટોર વગેરે પાસે પહોંચી જાય છે અને ત્યાં ભારતીય લોકો સામે ઉશ્કેરણીજનક વાતાવરણ બનાવવા પ્રયત્ન કરે છે. હાલમાં જ સીલીકોન વેલીમાં ભારતીય સમુદાયના લોકોએ આ અંગે એફબીઆઈને એક અહેવાલ સોંપીને કયારે અને કયા હુમલા થયા તેની માહિતી આપી હતી.
આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનાર અજય જૈન એ જણાવ્યું કે અમેરિકામાં હિન્દુ અને જૈન મંદિરો પર હુમલા વધી રહ્યા છે અને અમેરિકાની કાનુની એજન્સીઓ કોઈ પગલા લેતી નથી. એફબીઆઈના અધિકારીઓએ આ અંગે સ્વીકાર્યુ કે હુમલા વધ્યા છે અને ડરનો માહોલ છે.
પરંતુ હજુ સુધી કોઈની સામે એકશન લેવાયા નથી. સેન ફ્રાન્સીસ્કોમાં ભારતીય કોુસ્યુલેટમાં ફરકતા ત્રિરંગાને પણ નુકશાન પહોંચાડવાની કોશીશ થઈ હતી. છેલ્લા ચાર મહિનામાં 11થી વધુ હિન્દુ મંદિરો પર હુમલા થયા છે અને ભારત વિરોધી પોસ્ટર લાગ્યા છે.