ગુજરાતમાં ચાલી રહેલી બોર્ડ પરીક્ષા દરમિયાન આજે અંકલેશ્વરમાં હિજાબનો વિવાદ સર્જાયો હતો ,
અંકલેશ્વરની સ્કૂલમાં ઘટના: વાલીઓનું ટોળુ ધસી આવતા ત્રણ સંચાલકોને પરીક્ષા કાર્યમાંથી દૂર કરાયા

ગુજરાતમાં ચાલી રહેલી બોર્ડ પરીક્ષા દરમિયાન આજે અંકલેશ્વરમાં હિજાબનો વિવાદ સર્જાયો હતો. હિજાબ પહેરીને પરીક્ષા આપવા પહોંચેલી મુસ્લીમ વિદ્યાર્થિનીઓના બૂરખા ઉતરાવવામાં આવતા બબાલ સર્જાઇ હતી. વાલીઓનું ટોળુ ધસી આવ્યું હતું. મામલો થાળે પાડવા ત્રણ સંચાલકોને પરીક્ષા કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. આ મામલે જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત પરીક્ષા કેન્દ્રમાં આજે મુસ્લીમ વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને પરીક્ષા આપવા પહોંચી હતી. જ્યારે પરીક્ષા સંચાલકોએ તેમના બુરખા હટાવવાની સુચના આપી હતી.
આ તકે વિદ્યાર્થિનીઓના વાલીઓ ઉમટી પડતા મામલો તંગ બન્યો હતો અને બબાલ સર્જાઇ હતી. વાલીઓએ હિજાબ ઉતરાવવામાં વિદ્યાર્થિનીઓ સાથે ગેરવર્તન થયાનો પણ આક્ષેપ કર્યો હતો. પરીક્ષા અધિકારીઓએ બોર્ડની સૂચનાથી હિજાબ દુર કરાવાયાનો બચાવ કર્યો હતો.