ભારત

લોકસભા ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ, આજે તારીખોની જાહેરાત કરવામાં આવી શકે છે.

લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં રાજકીય તાપમાન ઘણું ઊંચું પંહોચી ગયું છે

લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં રાજકીય તાપમાન ઘણું ઊંચું પંહોચી ગયું છે. દરેક પાર્ટીઓ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહી છે, એવામાં લોકસભા ચૂંટણીની તારીખને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. સૂત્રો અનુસાર ચૂંટણી પંચ 15 માર્ચે એટલે કે આજે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે . ટૂંકમાં કહીએ તો લોકસભા ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં હવે ગમે ત્યારે તારીખોની જાહેરાત થઈ શકે છે. તારીખોની જાહેરાત થતાંની સાથે જ દેશમાં ચૂંટણી આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. રાજકીય પક્ષોએ અનેક પ્રકારના બંધનોનું પાલન કરવું પડશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઈ શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે બુધવારે કહ્યું કે આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

જાણીતું છે કે 2019માં લોકસભા ચૂંટણીની જાહેરાત 10 માર્ચે કરી દેવામાં આવી હતી અને એ લોકસભા ચૂંટણી 11 એપ્રિલથી 19 મે વચ્ચે 7 તબક્કામાં યોજાઈ હતી. ચૂંટણીના પરિણામો 23 મેના રોજ જાહેર થયા હતા.  2019માં 11 એપ્રિલ, 18 એપ્રિલ, 23 એપ્રિલ, 29 એપ્રિલ, 6 મે, 12 મે અને 19 મેના રોજ મતદાન થયું હતું.

તે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 303 બેઠકો અને ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનને 353 બેઠકો મળી હતી. તેની સામે કોંગ્રેસ પાર્ટીએ 52 બેઠકો જીતી અને કોંગ્રેસના નેતૃત્વવાળી ગઠબંધનને 92 બેઠકો મળી હતી. તો અન્ય પક્ષોને 97 બેઠકો મળી હતી. લોકસભા ચૂંટણીની સાથે આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ હતી.

આ વખતની વાત કરીએ તો લોકસભા ચૂંટણીની સાથે જ ચૂંટણી પંચ જમ્મુ-કાશ્મીર, આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની પણ જાહેરાત કરી શકે છે. સાથે જ એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણી પણ 2019ની જેમ સાત તબક્કામાં યોજાઈ શકે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button