ભારતીય રાષ્ટ્રીય નિગમે પેટીએમને યુપીઆઈમાં ત્રીજા પક્ષ એપ્લીકેશન પ્રદાતા તરીકે ભાગ લેવાની મંજુરી આપી દીધી છે.
પેટીએમ એપે યુપીઆઈ પેમેન્ટ માટે ચાર બેન્કો સાથે હાથ મિલાવ્યા
ભારતીય રાષ્ટ્રીય નિગમે પેટીએમને યુપીઆઈમાં ત્રીજા પક્ષ એપ્લીકેશન પ્રદાતા તરીકે ભાગ લેવાની મંજુરી આપી દીધી છે. હવે ગ્રાહક અને વેપારી કોઈ રૂકાવટ વિના પેટીએમ એપથી યુપીઆઈ પેમેન્ટ કરી શકશે, તેના માટે પેટીએમે એકસીસ બેન્ક, એચડીએફસી બેન્ક, એસબીઆઈ અને યેસ બેન્ક સાથે હાથ મિલાવ્યા છે. આ ચારેય બેન્કે, પેટીએમ માટે પેમેન્ટ સિસ્ટમ પ્રદાતા તરીકે કામ કરશે. ગત મહિને આરબીઆઈએ પેટીએમ પેમેન્ટસ બેન્કને લઈને નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે, જો પેટીએમ યુપીઆઈ સેવા પેટીએમ બેન્ક સાથે જોડાયેલી છે તો તે 15 માર્ચ બાદ નહીં ચાલે.
પેટીએમની અનેક સેવાઓ બંધ થઈ જશે: આરબીઆઈના નિર્દેશ અનુસાર પેટીએમ પેમેન્ટસ બેન્ક પર 15 માર્ચ 2024 બાદ અનેક રીતે લેવડ-દેવડ રોકાઈ જશે. જો કે કેટલીક સેવાઓ ચાલુ રહેશે. તેના માટે ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે કે પેટીએમ બેન્કના મોજૂદ રકમને બીજા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી દે.
આટલી સેવાઓનો ઉપયોગ નહીં થઈ શકે: પેટીએમ બેન્ક વોલેટ કે ખાતામાં પૈસા જમા નહીં થાય પણ બાકી રકમ કાઢી શકાશે. યુપીઆઈ અને આઈએમપીએસ સેવાનો ઉપયોગ કરીને પણ ખાતામાં રકમ જમા નહીં કરાવી શકાય. પેટીએમ બેન્ક ખાતા કે વોલેટથી ફાસ્ટેગ કે અન્ય કોઈપણ પ્રકારના ટોપ-અપ કે રિચાર્જ નહીં થઈ શકે. પગાર કે સબસીડીની રકમ જમા નહી થઈ શકે. અન્ય બેન્કનો વિકલ્પ પસંદ કરવો પડશે.
આ કામ ચાલુ રહેશે: જો ખાતા કે વોલેટમાં બાકી રકમ છે તો તેનો ઉપયોગ થઈ શકશે. ખાતામાં રિફંડ, કેશબેક, ભાગીદાર બેન્કોથી સ્વીપ-ઈન કે વ્યાજ જમા કરવાની મંજુરી મળશે. વીજબિલ, ઓટીટી લવાજમ, લોનના હપ્તા ત્યાં સુધી ચૂકવી શકાશે જયાં સુધી બેન્ક ખાતામાં પૈસા હશે. પેટીએમ પેમેન્ટ બેન્ક વોલેટનો ઉપયોગ મર્ચન્ટ પેમેન્ટ માટે પણ માન્ય રહેશે. ગ્રાહકની પાસે વોલેટ બંધ કરવાનો કે બીજા ખાતામાં બાકી રકમ મોકલવાનો વિકલ્પ રહેશે.
બીએસઈએ રોકાણકારોને સલાહ જાહેર કરી: બીએસઈ (બોમ્બે સ્ટોક એકસચેંજે રોકાણકારોને પેટીએમ બેન્કના બદલે અન્ય બેન્કોમાં ખોલાયેલ ખાતાને ટ્રેડીંગ સભ્યો પાસે રજીસ્ટર કરાવવાની સલાહ આપી છે. 20 ટકા કર્મીઓની છટણી થશે: પેટીએમની પેરન્ટ કંપની વન 97 કોમ્યુનીકેશન લિમિટેડ લગભગ 20 ટકા કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે.



