
દુબઇ સહિતના અખાતી દેશોમાં અસામાન્ય વરસાદે જળબંબાકારની સ્થિતિ છે અને હજારો લોકો અટવાઇ જતાં એરપોર્ટ સહિતના સ્થળોએ અંધાધૂંધીની હાલત છે. ત્યારે આ ભારે વરસાદ પાછળ ‘કૃત્રિમ વરસાદ’નો પ્રયોગ હોવાનું બહાર આવ્યું છે. રીપોર્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે રણ ક્ષેત્રના આ દેશોમાં ભાગ્યે જ વરસાદ થતો હોય છે ત્યારે શાસકો દ્વારા કૃત્રિમ વરસાદનો પ્રયોગ હાથ ધરાયો હતો. પ્રયોગની માત્રા વધી જતાં અસામાન્ય વરસાદ ખાબક્યો છે. હજુ બે દિવસ ભારે વરસાદ પડી શકે તેમ છે.
દુબઇ, ઓમાન, બહેરીન સહિતના દેશોમાં વરસાદનું કારણ ક્લાયમેટ ચેઇન્જનું હોવાનુ વૈજ્ઞાનિકોનું માનવું છે પરંતુ રીપોર્ટ મુજબ કૃત્રિમ વરસાદના પ્રયોગે જળબંબાકારની આ સ્થિતિ સર્જી છે. કેટલાંક ભાગોમાં તો 10 ઇંચથી પણ વધુ પાણી વરસી ગયું હતું.
અલ-ઇન વિસ્તારના ‘ખત્મ અલ શકલા’માં 254 મીમી વરસાદ નોંધાયો હતો. દુબઇમાં સરેરાશ 5 ઇંચ (127 મીમી) પાણી વરસ્યું હતું જે સામાન્ય રીતે દોઢ વર્ષના ગાળામાં પડતું હોય છે. વર્ચીયલ ગલ્ફના ગરમ પાણીને કારણે અનેક થંડર સ્ટોર્મ આ ગતિવિધિ સર્જાઇ હતી.