રાજકોટવાસીઓના ખોળામાં માથુ મુકયુ છે , પરેશ ધાનાણીએ ‘તાકાત’ દેખાડી ,
ભાજપનો અહંકાર ભાંગી જશે; લોકોના સ્વાભિમાન તથા લોકશાહીનુ જતન કરવાનુ વચન: વિજયનો વિશ્વાસ

રાજકોટની લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર પરેશ ધાનાણીએ વિજયનો વિશ્વાસ દર્શાવ્યો હતો. રાજકોટવાસીઓના ખોળામાં માથુ મુકયુ છે, મતદારો ભરોસો મુકશે અને ભાજપના અહંકારને ઓગાળી નાખશે તેવો હુંકાર કર્યો હતો.
વિધાનસભાના પુર્વ વિપક્ષી નેતા એવા પરેશ ધાનાણીએ બપોરે વિજયમુર્હુતમાં ઉમેદવારી નોંધાવતા પુર્વે ધાર્મિક સ્થળોએ દર્શન કરવા ઉપરાંત ગાંધીજી-સરદાર પટેલ-આંબેડકરની પ્રતિમાઓને વંદન કર્યા બાદ બહુમાળી ભવન ચોકમાં શક્તિપ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પુર્વ પ્રમુખ જગદીશ ઠાકોર તથા સિદ્ધાર્થ પટેલની હાજરીમાં યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં આગેવાનો-કાર્યકરો ઉમટયા હતા.
રૂપાલાનો વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજ કરણીસેનાના આગેવાનોએ પણ હાજરી આપીને કોંગ્રેસને સમર્થન આપવાનો સંકેત આપ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ કહ્યું કે અનેકવિધ સમસ્યાઓથી પીડાતી પ્રજાની વેદના-પીડાને દુર કરીને સ્વાભિમાન અર્પવા અને પ્રજાને સલામ કરવા આવ્યો છું. રાજકોટના રણમેદાનમાં ભાજપના અહંકારને ઓગાળવા આપ્યો છે. મને પુરો વિશ્વાસ છે કે રાજકોટના મતદારોનું અભિયાન જાગશે અને સંગઠીત રીતે જીત અપાવશે.
તેમણે કહ્યું કે લોકશાહીને જીવંત રાખવા, બંધારણને ટકાવવા તથા લોકોના સ્વાભિમાન માટેની આ લડાઈમાં પોતે રાજકોટવાસીઓના ખોળામાં માથુ મુકી દીધુ છે, ભરોસો છે કે લોકોના આશિર્વાદ મળશે અને ચુંટણીમાં જીત અપાવશે. પોતે કયારેય લોકોનો વિશ્વાસ તૂટવા નહીં દયે. લોકોએ જીતાડવાનો સંકલ્પ લઈ જ લીધો છે. છતાં લોકોને મારા વચનમાં દમ ન લાગે તો માથુ વાઢી નાખે તો વાંધો નથી.
તેઓએ એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપ પ્રજાની સમસ્યાઓનું નિવારણ કરવાને બદલે લોકોને સમસ્યાઓમાં ધકેલે છે. ભાજપનો અહંકાર આ વખતે ઓગળી જશે અને લોકોએ જ ભાજપને હરાવવાનું નકકી કર્યુ છે.
તેમણે કહ્યું કે દિકરીઓની આંખોમાં આંસુ જોયા છે ત્યારે હવે અહંકારી માછલી (ભાજપ)ની આંખ વિંધવાનો વખત છે. ભાજપનુ વર્ગવિગ્રહનું કાવતરુ સફળ નહીં થાય. સ્વાભિમાન યુદ્ધનો શંખનાદ કરી દીધો છે અને રાજકોટવાસીઓ જીતાડશે તેવો વિશ્વાસ છે.
ભાજપનો સૂર્ય સોળેકળાએ હોવા છતાં પ્રજાની સમસ્યાઓ દુર થઈ નથી. ભાજપમાંથી રાજકોટ મુક્તિ ઝંખે છે. આ વખતની લડાઈ અહંકાર અને સ્વાભિમાનની હોવાનુ જાહેર કર્યુ હતું. આ તકે જીતેગા ભાઈ જીતેગા, પરેશ ધાનાણી જીતેગાના નારા લાગ્યા હતા.
ધાનાણી સભા સ્થળે પહોંચતા તેમનુ કુમકુમ તિલક તથા પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યુ હતું. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહનું પણ પાઘડી પહેરાવીને સ્વાગત કર્યુ હતું. આ તકે શક્તિસિંહ ગોહિલે એમ કહ્યું કે લોકશાહીમાં લોકો મહાન હોય છે. લોકો સરકાર ચુંટે છે પરંતુ વર્તમાન શાસકો પ્રજા-ખીસ્સામાં હોય તેમ અભિયાનની રીતે વર્તન કરીને લોકશાહીનું અપમાન કરી રહી છે. રાજકોટવાસીઓને એક અવાજે પરેશ ધાનાણીને રાજકોટથી ચુંટણી લડવા તેડાવ્યા છે અને હવે વિજયતિલક કરશે તેવો વિશ્વાસ છે.