જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે રાજા અને તેમની પટરાણીઓ વિશે નિવેદન કરતાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે.
કિરીટ પટેલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં આક્રોશ વ્યાપી ગયો છે. ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કિરીટ પટેલને ફોન કરીને ટકોર કરી છે. જોકે, આ મામલે કિરીટ પટેલે વીડિયો દ્વારા માફી માંગી છે.
હજુ તો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનની શાહી સુકાઈ નથી ત્યાં વધુ એક ભાજપ નેતાના વિવાદાસ્પદ ભાષણથી મામલો ગરમાયો છે. હકીકતમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે રાજા અને તેમની પટરાણીઓ વિશે નિવેદન કરતાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. કિરીટ પટેલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં આક્રોશ વ્યાપી ગયો છે. ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કિરીટ પટેલને ફોન કરીને ટકોર કરી છે. જોકે, આ મામલે કિરીટ પટેલે વીડિયો દ્વારા માફી માંગી છે.
કિરીટ પટેલે કહ્યું કે, ‘મારા ભાષણથી કોઈ સમાજને ઠેસ પહોંચી હોય તો હું ક્ષમા માગું છું. મારો ધ્યેય કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો નહોતો. ભારતીય જનતા પાર્ટીએ દરેક સમાજને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. આવનારા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત બને તે દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ. ત્યારે મારા ભાષણથી અથવા મારી વાતથી કોઈ સમાજ, કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો હું બે હાથ જોડીને ક્ષમા માંગુ છું.’
આપને જણાવી દઈએ કે, જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના વિસાવદર ખાતેના કાર્યાલયનું ગઈકાલે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે કાર્યકરોને સંબોધતી વખતે જાહેર મંચ પરથી કહ્યું હતું કે, ‘હિન્દુસ્તાનમાં એક સમય એવો હતો કે રાજાની પટરાણી બોબડી હોય, લુલી હોય, લંગડી હોય પણ તેના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે.’
અત્રે ઉલ્લેખનીય છે કે, એક તરફ ભાજપના જ નેતાઓ પરસોત્તમ રૂપાલાના રાજા-રજવાડાઓના નિવેદનના કારણે થયેલા વિવાદને શાંત પાડવા મથામણ કરી રહ્યા છે તેવામાં શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીના જ આગેવાને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. જોકે, આ નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં આક્રોશ વ્યાપી ગયો છે.



