પન્નુની હત્યાના ષડયંત્ર અંગે વોશિંગ્ટન પોષ્ટના રીપોર્ટથી ભારત ખફા બેજવાબદાર અહેવાલ ,
વોશિંગ્ટનમાં ‘રો’ના અધિકારીની સંડોવણી હતી! ભારતે કહ્યું તપાસ ચાલુ છે તે સમયે આવો રિપોર્ટ આશ્ર્ચર્યજનક
અમેરિકી તથા કેનેડીયન નાગરીકત્વ ધરાવી રહેલા ખાલીસ્તાની આતંકી ગુરૂપતસિંહ પન્નુના હત્યાના ષડયંત્રમાં ભારતીય જાસૂસી એજન્સી ‘રો’ના અધિકારીની સંડોવણી અંગે અમેરિકી મીડીયાના રીપોર્ટ સામે ભારતે આકરો વિરોધ નોંધાવીને જવાબ આપ્યો છે કે કોઈ આધાર વગરની અને બહુજ નિમ્ન કક્ષાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં જે વાતો કરાઈ છે તે તદન ગેરવાજબી છે અને તેનો કોઈ આધાર પણ નથી.
વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારતે આ અંગે એક તપાસ કમીટી પણ રચી છે અને અમેરિકા પાસેથી ઈનપુટ પણ લેવાયા જ છે અને તેની સત્યતાની તપાસ થઈ રહી છે તે વચ્ચે આ પ્રકારના રિપોર્ટ બેજવાબદારી દર્શાવી છે.
વોશિંગ્ટન પોષ્ટે એક અહેવાલમાં જણાવ્યું કે, પન્નુની હત્યા માટે ‘રો’ના તે સમયના વડા સામંત ગોયલે મંજુરી આપી હતી અને તેના અમલની જવાબદારી અમેરિકા ખાતેના ભારતના દૂતાવાસમાં ફરજ બજાવાના અને સીઆરપીએફ પરથી ડેપ્યુટેશન પર રહેલા વિક્રમ યાદવને જવાબદારી સોંપાઈ હતી અને તેઓને બાદમાં અમેરિકાથી ભારત પરત બોલાવી લેવાયા હતા.
આ અંગે તપાસ કરવા અમેરિકી અધિકારીઓનું એક ટીમ પણ ભારત આવી હતી અને એવી ચીમકી આપી હતી કે ભારત જો આ પ્રકારના અહેવાલ પર ગંભીરતાથી કામ નહી કરે તો યાદવ સામે અમેરિકામાં આરોપો ઘડાઈ શકે છે.
વોશિંગ્ટન પોષ્ટના અહેવાલ મુજબ આ મુદે ભૂતકાળમાં ઓસ્ટ્રેલિયા, જર્મની, બ્રિટનથી પણ ‘કવર એજન્ટ’ તરીકે કામ કરતા ‘રો’ના અધિકારીઓને પરત મોકલી અપાયા હતા.



