એકસાઈઝ પોલીસીના વિવાદ વચ્ચે જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હવે વચગાળાના જામીન માટે ગુરુવાર સુધી રાહ જોવી પડશે.
રૂા.100 કરોડનું કૌભાંડ કઈ રીતે 1100 કરોડનું થઈ ગયું જામીનનો વિરોધ કરી રહેલા એડી. સોલીસીટર જનરલને સુપ્રીમના તીખા પ્રશ્ર્નો
એકસાઈઝ પોલીસીના વિવાદ વચ્ચે જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હવે વચગાળાના જામીન માટે ગુરુવાર સુધી રાહ જોવી પડશે. શરાબકાંડમાં પોતાની ધરપકડને પડકારતી રીટ અરજી પર સુનાવણી સમયે એક તબકકે સુપ્રીમકોર્ટે શા માટે કેજરીવાલને વચગાળાના જામીન ન આપવા તે મુદે ઈડી તરફથી રજુ થયેલા એડી. સોલીસીટર જનરલ અને સોલીસીટર જનરલની સાથે સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને દીપાંકર દતાની ખંડપીઠે પ્રશ્નોની ઝડી વરસાવી હતી.
તેની સાથે જ જણાવ્યું હતું કે, ચોકકસપણે આ કેસ અન્ય જેવો છે પરંતુ ભુલવું ન જોઈએ કે કેજરીવાલ ચુંટાયેલી સરકારના વડા છે અને તેથી અમે તેમને વચગાળાના જામીન આપવા વિચારણા કરી શકીએ છીએ. સર્વોચ્ચ અદાલતમાં સોલીસીટર જનરલ એસ.વી.રાજુએ એવો દાવો કર્યો હતો કે રૂા.100 કરોડના હવાલા ટ્રાન્ઝેકશન અંગે પણ અમે રજુ કરવા માંગીએ છીએ કે અને મનીષ સીસોદીયાના જામીન નકારતા સમયે પણ એક ફરિયાદ આવી હતી અને રૂા.1100 કરોડ એટેચ કરાયા છે.
જો કે સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ ખન્નાએ સીધો પ્રશ્ન પૂછયો કે તમે જ રૂા.100 કરોડના અપરાધની વાત કરી હતી તો રૂા.1100 કરોડ કઈ રીતે થઈ ગયા. આ તબકકે રાજુએ વળતી દલીલ કરતા જણાવ્યું કે જે ફાયદો થયો છે તે રૂા.1100 કરોડનો છે. પરંતુ સુપ્રીમકોર્ટે તે દલીલ માન્ય રાખી ન હતી. જો કે કેજરીવાલને જામીન આપી શકાય છે તે સંકેત આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે નિયમિત જામીન પણ મંજુર કરી શકીએ છીએ તો વચગાળાના શા માટે નહી.
બીજી તરફ કેજરીવાલના ધારાશાસ્ત્રીને પણ જણાવ્યું હતું કે જો તમને જામીન આપવામાં આવે તો મુખ્યમંત્રી દરજજે કોઈ સતાવાર ફાઈલો પર સહી કરી શકશો નહી. જો કે કેજરીવાલને રાજકીય ગતિવિધિની છુટ હોવાનો પણ સંકેત આપ્યો હતો.
અદાલતે સ્વીકાર્યુ હતું કે મુખ્યમંત્રી એ કોઈ અધિકાર ધરાવતા નથી. પરંતુ ચુંટણી પાંચ વર્ષમાં એક વખત આવે છે અને અમે ઈચ્છતા નથી કે જે રાજનેતા અપરાધમાં સામેલ હોય તેને અલગથી ટ્રીટ કરવામાં આવે. ચુંટણી એ ફસલ નથી કે દર છ મહિને તે આવી શકે. હવે સર્વોચ્ચ અદાલત ગુરુવારે આ અંગે નિર્ણય આપે તેવી ધારણા છે.



