બચત 35 ટકા ઘટી, બેંક લોનનો બોજ ડબલ શેર-મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ ડબલ ઘટતી બચત સામે વધતુ રોકાણ: 3 વર્ષમાં ભારતીયોનો ટ્રેન્ડ બદલાયો
કેન્દ્ર સરકારનો રીપોર્ટ ભારતીયોને બચતનો આંકડો માત્ર 14.16 લાખ કરોડ : બેંક લોન 6.05 કરોડથી વધીને 11.88 લાખ કરોડના સ્તરે પહોંચી ગઈ
ભારતીયોનાં બદલાયેલા જીવન ધોરણ વચ્ચે બચતની પરંપરા તૂટી રહ્યાના સંકેતોની સામે એવુ રસપ્રદ તારણ પણ બહાર આવ્યુ છે કે, બચતનો ટ્રેન્ડ ભલે ઓછો થયો હોય પરંતુ રોકાણ કરવામાં રસ વધ્યો છે.
સરકાર દ્વારા જારી આંકડાકીય રીપોર્ટમાં એમ કહેવાયું છે કે, ભારતીયોની બચત છેલ્લા ત્રણ વર્ષમાં 9 લાખ કરોડથી વધુ ઘટીને 2022-23 માં 14.16 લાખ કરોડ રહી હતી તેની સામે રોકાણ ડબલ થઈ ગયુ છે.
કેન્દ્રનાં સ્ટેટેસ્ટીકલ મંત્રાલય દ્વારા રીપોર્ટ જારી કરાયો છે જે અંતર્ગત 2020-21 માં ભારતીય પરિવારોની નેટ બચત 23.29 લાખ કરોડ હતી પરંતુ ત્યારપછીના વર્ષોમાં તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 2021-22 માં ઘટીને 17.12 લાખ કરોડ તથા 2022-23 માં 14.16 લાખ કરોડ રહી ગઈ હતી. જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચલા સ્તરે છે.
આંકડાકીય રીપોર્ટ પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષોમાં ભારતીયોનાં બેંક ધિરાણ પણ લગભગ ડબલ થઈ ગયા છે.2022-23 માં 11.88 લાખ કરોડનું બેંક ધીરાણ હતું તે 20-21 માં 6.05 લાખ કરોડ તથા 2011-22 માં 7.69 લાખ કરોડ હતી.બીન સરકારી નાણા સંસ્થાઓ દ્વારા અપાતું ધીરાણ પણ 2020-21 ના 93723 કરોડથી 2022-23 માં ચાર ગણુ વધીને 3.33 લાખ કરોડ થયુ હતું.
બીજી તરફ ભારતીયોમાં રોકાણ પણ વધી રહ્યું છે. 2020-21 માં મ્યચ્યુઅલ ફંડોનાં ભારતીયોનું રોકાણ 64084 કરોડ હતું તે 2022-23 માં 1.79 લાખ કરોડે પહોંચ્યુ હતું. શેરો-ડીબેન્ચરોમાં રોકાણ 2020-21 માં 1.07 લાખ કરોડનું હતું. તે 2022-23 માં 2.06 લાખ કરોડે પહોંચ્યુ હતું.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીને પગલે સારી કમાણી હોવાથી ઈન્વેસ્ટરોનાં રોકાણમાં વધારો છે. મ્યુચ્યુઅલ ફંડ મારફત પણ રોકાણમાં સારૂ રીટર્ન છે.આ સિવાય ગોલ્ડ સહીત અન્ય વૈકલ્પીક રોકાણમાં પણ સારો નફો હોવાથી લોકો બેંક વ્યાજનાં બદલે રોકાણ પર તગડી કમાણી કરવાનો ટ્રેન્ડ ધરાવતા થયા છે. ડીમેટ ખાતાઓની સંખ્યા પ્રથમવાર 15 કરોડને પાર થઈ છે.



