સ્કુલ રીક્ષા ચાલકની પુત્રીએ આકરી મહેનતથી શ્રુતી જીલુભાઇ નાટડાએ અન્ય વિદ્યાર્થીઓ સાથે એ-1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે.
પિતા વર્ધી વચ્ચે અનેક વખત દિકરીને સ્કુલે મુકવા પણ જઇ શકતા ન હતા : મોદી સ્કુલની છાત્રાએ લગાવી ઉંચી છલાંગ

ધો.12 સાયન્સ અને કોમર્સના આજે જાહેર થયેલા પરિણામમાં મોદી સ્કુલે ડંકો વગાડયો છે તો આ સ્કુલની શ્રુતી જીલુભાઇ નાટડાએ અન્ય વિદ્યાર્થીઓ સાથે એ-1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે. આ વિદ્યાર્થીની સૌથી અલગ એટલે પડે છે કે અલ્પશિક્ષિત પરિવારના સ્કુલ રીક્ષા ચાલકની પુત્રીએ આકરી મહેનતથી આ સ્થાન મેળવ્યું છે.
સખત પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. આ ઉક્તિ શ્રુતિએ સાર્થક ઠેરવી છે. સામાકાંઠે રહેતા શ્રમજીવી પરિવારના જીલુભાઇ નાટડા સ્કુલના વિદ્યાર્થીઓને શાળાએ તેડવા મુકવાનું વર્ધીનું કામ કરે છે. ધો.12 કોમર્સના પરિણામમાં 99.72 પીઆર મેળવનાર શ્રુતિને હવે યુપીએસસીની પરીક્ષા આપી આઇએએસ બનવાનો ઇરાદો છે.
રીક્ષા ચાલક જીલુભાઇએ કહ્યું હતું કે, તેઓ પતિ-પત્ની બહુ ઓછા ભણેલા છે. ધો.11-12 મોદી સ્કુલમાં કરાવતા સ્કોલરશીપ મળી હતી. પરિવારની ચિંતા વચ્ચે અમારી દિકરી ભણી છે. રાત્રે બે વાગ્યા સુધી તે અભ્યાસ કરતી હતી. કામ વચ્ચે અનેક વખત તેઓ પુત્રીને શાળાએ તેડવા-મુકવા પણ જઇ શકતા ન હતા. આવી દોડાદોડી કરીને પણ તેમની પુત્રી ટોપર્સ બનતા પરિવારમાં હરખ છે.
માતા જયોતિબેને કહ્યું હતું કે, અમારી ખુશીનો કોઇ પાર નથી. હવે પુત્રી યુપીએસસી પાસ કરીને આઇએએસ અધિકારી બનવા માંગે છે. ઘરની ચિંતા કર્યા વગર દિકરીને ભણવાની પ્રેરણા આપી હતી.
શ્રુતીએ ગદગદ થતા કહ્યું હતું કે, તે હવે ઉચ્ચ અભ્યાસ કરીને વહેલાસર પરિવારના ટેકારૂપ બનવા માંગે છે. શાળા પરિવારનો તેને સુંદર સહકાર મળ્યો છે. મોદી સ્કુલની સ્કોલરશીપ અને મેનેજીંગ ટ્રસ્ટી ડો.રશ્મીકાંત મોદીના માર્ગદર્શનથી આ પરિણામ મળ્યાનું પરિવાર કહે છે.