મુંબઈમાં હોર્ડીંગ બોર્ડ દુર્ઘટનાનો મૃત્યુઆંક 14 પર પહોંચ્યો બે સપ્તાહ પુર્વે જ ‘હટાવવા’ સુચના અપાઈ હતી
હોર્ડીંગ માલીકી ધરાવતી કંપની સામે કેસ દાખલ: હજુ 28 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

મુંબઈમાં હવામાનપલ્ટા સાથે ધૂળની આંધી-ઝંઝાવાતી પવન-વરસાદમાં તોતીંગ હોર્ડીંગ ધસી પડતા સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક 14નો થયો છે. આ હોર્ડીંગ હટાવી લેવા બે સપ્તાહ પુર્વે જ કોર્પોરેશને અલ્ટીમેટમ આપ્યાની વિગતો પ્રકાશમાં આવી છે.
દેશના અનેક ભાગોની જેમ આર્થિક પાટનગર મુંબઈમાં પણ ગઈ સાંજે હવામાનપલ્ટો રહ્યો હતો. વરસાદની સાથે ઝંઝાવાતી પવન અને ધુળભરી આંધી ફુંકાતા દિવસે અંધારપટ સર્જાયો હતો અને તેમાં ઘાટકોપર ઈસ્ટમાં પંતનગર સ્થિત એક તોતીંગ હોર્ડીંગ બોર્ડ ધસી પડયું હતું. આ બોર્ડીંગ પેટ્રોલપંપ પર પડયુ હતું.
આ સ્થળે સંખ્યાબંધ લોકો મૌજૂદ હતા. જેઓ કાટમાળ હેઠળ દટાયા હતા. તાબડતોડ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 14નો થયો છે. ઈજાગ્રસ્તોનો આંકડો 59 છે જેઓને હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સતાવાર સૂત્રોએ કહ્યું કે ઈજાગ્રસ્તો પૈકી 31ને ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
આ દુર્ઘટના અંગે વિજ્ઞાપન કંપની ઈગો મીડીયા સામે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનના સૂત્રોએ કહ્યું કે ઘાટકોપરના પંતનગર સ્થિત આ લિસ્ટ હોર્ડીંગ કેટલાક વખતથી વહીવટીતંત્રના વોચમાં હતું. બે સપ્તાહ પુર્વે હોર્ડીંગ હટાવી દેવાની સૂચના પણ આપી હતી. સોમવારે દુર્ઘટના બાદ તાત્કાલીક અસરથી હોર્ડીંગનું તમામ માળખુ ઉતારી લેવાની નોટીસ પણ ફટકારવામાં આવી હતી.દેશના અનેક ભાગોમાં હવામાનપલ્ટાનો હાહાકાર સર્જાયો છે ત્યારે બેંગ્લોરમાં પણ ભારે વરસાદનો કહેર છે. બેંગ્લોરમાં છેલ્લા સાત દિવસમાં જ ભારે વરસાદથી 1000થી વધુ વૃક્ષો ધરાશાયી બન્યા હતા. માર્ગો પર જ ઝાડ પડયા રહેતા ટ્રાફિક સહિતના પ્રશ્નો ઉભા થઈ રહ્યા હોવાથી સ્થળ પર જ વૃક્ષના લાકડાનુ ઓકશન કરીને હટાવવાની કામગીરી કરવાનો નિર્ણય લેવાયો છે.