ગુજરાતમાં ફરી એકવાર નકલીનું ભૂત ધણધણ્યું છે. આ વખતે અરવલ્લી જિલ્લામાંથી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ
અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉનમાં આવેલા તિરુપતિ બંગલોમાં ચાલતી નકલી સિંચાઈ વિભાગની કચેરી મળી આવી છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કચેરીમાં ચાલતી શંકાસ્પદ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.
ગુજરાતમાં ફરી એકવાર નકલીનું ભૂત ધણધણ્યું છે. આ વખતે અરવલ્લી જિલ્લામાંથી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ છે. ખુદ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દરોડા પાડીને બંગલામાં ચાલતી આ નકલી કચેરી ઝડપી પાડી છે અને કચેરીમાં કામ કરતા 7 કર્મચારીઓ પણ મળી આવ્યા છે. આટલું જ નહીં તેમણે નિવૃત્ત અધિકારીઓનો આ પાછળ હાથ હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉનમાં આવેલા તિરુપતિ બંગલોમાં ચાલતી નકલી સિંચાઈ વિભાગની કચેરી મળી આવી છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કચેરીમાં ચાલતી શંકાસ્પદ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. બંગલોમાંથી કોરી બુક્સ, કોરા બિલ, અલગ-અલગ તાલુકાના એન્જિનિયરોના 50-60 જેટલા સિક્કાઓ પણ મળી આવ્યા છે. ઘટનાને લઈને મોડાસા ટાઉન પોલીસ પણ ત્યાં પહોંચી હતી.
આ અંગે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે, છેલ્લા કેટલાક સમય પહેલા એક વ્યક્તિનો મને ફોન આવ્યો હતો અને તિરુપતિ બંગ્લોઝમાં ડુપ્લિકેટ ઓફિસ ચાલતી હોવાની જાણ કરી હતી. એટલે છેલ્લા 7-8 દિવસથી હું વોચ કરી રહ્યો હતો. મને બાતમી તો હતી કે છેલ્લા 3 વર્ષથી ક્યાંક અરવલ્લી જિલ્લામાં આવી ઓફિસ ચાલી રહી છે. મેં કલેક્ટર અને SPનું ધ્યાન દોર્યું હતું અને તેમણે મારી સામે DDOને તપાસના આદેશ આપ્યા હતા. આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ પર પહોંચ્યો અને તપાસ કરી. હજુ સુધી મને શંકા છે અને અધિકારીઓ પર વિશ્વાસ છે, પરંતુ અહીં અધિકારીઓ જ બેઠેલા હતા, એટલે કેવી તપાસ થશે એ હું જાણતો નથી.
તેમણે વધુમાં ઉમેર્યું કે, બંગ્લોમાંથી કોરી બુક્સ મળી આવી છે. બે-ત્રણ ખાનામાં એન્જિનિયરોના 50-60 અલગ અલગ સિક્કાઓ પણ છે. અહીં એક કોમ્પ્યુટર પણ છે, તેની તપાસ અને પ્રિન્ટરોની ફોરેન્સિકમાં તપાસ કરવામાં આવે અને દાખલો બેસાડવાની જરૂર છે. આ જોઈને મને પણ દુઃખ થયું છે. સ્થળ પર ક્યાંય કામો થયા નથી. છેલ્લા 3 વર્ષના કામો તપાસવામાં આવે તો 70 ટકા કામો થયા નથી. એકના એક કામના બીજી વખત બિલ મૂકવામાં આવ્યા છે. આની પહેલી ભૂસ્તર ખાતની ગ્રાન્ટની પણ મેં ફરિયાદ કરી હતી. તેને વર્ષ થયું પણ મને તેની અંદર જવાબ મળ્યો નથી. જો યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો મને લાગે છે કે અહીંથી કેટલાય રૂપિયાની હેરાફેરી થઈ છે. અહીં કોરા બિલો પણ મળ્યા છે.



