દેશ-દુનિયા

દિલ્હીમાં ભયાનક જળસંકટ કેજરીવાલ સરકાર સુપ્રિમમાં પડોશી રાજયોને પાણી છોડવા માંગ કરી ,

દિલ્હીમાં પાણીનો બગાડ કરનારને રૂ2000નો દંડ કરાશે

દિલ્હીમાં જળસંકટને લઈને આમ આદમી પાર્ટી સરકારે સુપ્રીમકોર્ટમાં અરજી કરી છે. કેજરીવાલ સરકારે સુપ્રીમકોર્ટને આ મામલે દખલ કરવાની અપીલ કરતાં કહ્યું કે પાડોશી રાજ્યોને વધુ પાણી છોડવાનો નિર્દેશ આપવામાં આવે. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીની ભારે અછત છે અને દિલ્હી સરકારનો આરોપ છે કે યમુનામાં હરિયાણાએ પાણીનો સપ્લાય ઘટાડી દીધો છે જેના કારણે સંકટની સ્થિતિ સર્જાઈ છે. આમ આદમી પાર્ટીની સરકારે દેશની સર્વોચ્ચ અદાલતને જણાવ્યું છે કે હીટવેવની સ્થિતિને કારણે શહેરમાં પાણીની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે.

પાડોશી રાજ્યો હરિયાણા, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશને એક મહિના માટે યમુનામાં વધારાનું પાણી છોડવાની સૂચના આપવામાં આવે. સરકારે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીની પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કામ કરવું એ દરેકની જવાબદારી છે.

આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ હરિયાણાની ભાજપ સરકાર પાસે એક મહિના માટે વધુ પાણી મોકલવાની માંગ કરી હતી. દિલ્હી સરકારના મંત્રીએ આરોપ લગાવ્યો કે હરિયાણા સરકારે જાણી જોઈને દિલ્હી તરફ આવતા પાણીમાં ઘટાડો કર્યો છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટીએ જળ સંકટ માટે કેજરીવાલ સરકારના ગેરવહીવટને જવાબદાર ઠેરવ્યો છે.

રાજધાનીમાં આકરી ગરમી વચ્ચે લોકો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં તાપમાન 50 ડિગ્રીની આસપાસ રહે છે, જેથી લોકોને પીવાના પાણી માટે પણ સંઘર્ષ કરવો પડે છે.

ઘણા વિસ્તારોમાં દિવસમાં માત્ર એક જ વાર અને ઘણા વિસ્તારોમાં 48 કલાકમાં માત્ર એક જ વાર પાણી આપવામાં આવી રહ્યું છે. ઘણા વિસ્તારો માત્ર ટેન્કરો પર નિર્ભર છે. સરકારે પાણીનો બગાડ કરવા પર 2000 રૂપિયાનો દંડ ફટકારવાની પણ જાહેરાત કરી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button