ગુજરાત

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટનામાં સીટનો પ્રાથમિક રીપોર્ટ રજૂ થઇ ગયો છે ત્યારે આજે હાઇકોર્ટમાં સુનાવણી શરૂ થતા વડી અદાલતે ફરી આકરૂ વલણ અપનાવ્યું છે.

રાજકોટના ટીઆરપી ગેમઝોનના બનાવની સુનાવણીમાં વડી અદાલત આજે પણ લાલઘુમ : જવાબદારો સામે પુરતા પગલા લેશો કે નહીં? સરકારે જવાબો રજૂ કર્યા

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટનામાં સીટનો પ્રાથમિક રીપોર્ટ રજૂ થઇ ગયો છે ત્યારે આજે હાઇકોર્ટમાં સુનાવણી શરૂ થતા વડી અદાલતે ફરી આકરૂ વલણ અપનાવ્યું છે. ઘટના બાદ નાના અધિકારીઓ સામે સસ્પેન્શન અને ધરપકડના પગલા લેવાયા છે ત્યારે મ્યુનિ. કમિશ્નર સામે કેમ કલમ 30ર હેઠળ કાર્યવાહી ન કરાય? જવાબદારો સામે પગલા લેવાના છો કે હજુ આવા અગ્નિકાંડ થાય તેની રાહ જુઓ છો તેવો સરકારને તીખો સવાલ કર્યો છે.

આ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોની હત્યા થયાનો રોષ પણ ઠાલવવામાં આવ્યો છે. આ કેસમાં કમિશનર સહિતના જવાબદારો સામે શા માટે 302 હેઠળ કાર્યવાહી કરી સસ્પેન્ડના પગલા લેવાયા નથી તેવો સવાલ બદલી પામેલા આનંદ પટેલના નામ સાથે કરવામાં આવ્યો છે. અદાલતે ચાલુ સુનાવણી દરમ્યાન એવું પણ કહ્યું છે કે ગેમ ઝોન શરૂ થયો તે વખતના કમિશ્નરને કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી? તમે રમત રમો છો અને બીજા કર્મચારીઓ પર ઢોળો છો તેવું કહીને સરકારની ટીકા કરી છે. 2023માં પણ આગ લાગી હતી પરંતુ ઓથોરીટીએ કંઇ કર્યુ નથી. કમિશ્નરની બદલી પુરતી નથી અને બધા બધુ જાણતા હતા.

રાજય સરકારે એવો જવાબ આપ્યો છે કે કમિશનરને પોસ્ટીંગ વગરનું ટ્રાન્સફર આપવામાં આવ્યું છે. સીટના ફાઇનલ રીપોર્ટની રાહ જોવાઇ રહી છે. આ બાદ પગલા લેવામાં આવશે. સરકારે આનંદ પટેલનું સોગંદનામુ પણ જોયુ હતું.

અદાલતે એવું પણ કહ્યું હતું કે તમામ ઓથોરીટી તમારી હેઠળ આવે છે તો તમે સીનીયર અધિકારીઓને જવાબદાર માનો છો? સમયાંતરે ચેકીંગ કરાયું ન હતું અને હવે 27 લોકોના જીવ ગયા બાદ જુના રેકોર્ડ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે છે. અધિકારીઓ સામે હત્યાનો ચાર્જ કેમ ન લાગે તેવું અરજદારે પૂછયું હતું.

કોર્ટે કહ્યું કે આદેશોનું પાલન થયું નથી. કોર્પો.ના એડવોકેટ મંજૂરી અને આગના કારણો રજૂ કરતા હતા. ટીઆરપીએ ગેરકાયદે બાંધકામ રેગ્યુલર કરવા અરજી પણ કરી હતી. ગેમ ઝોનની રચના વખતે જે કમિશનર હતા તેમની એફીડેવીટ પણ ચકાસવામાં આવી છે. તા. 26 મેના રોજ આગ લાગી તે બાદ તા.27ના રોજ હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી.

સરકારે કહ્યું કે ગઇકાલે જ ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. ર4 જુન સુધીમાં અંતિમ રીપોર્ટ માંગવામાં આવ્યો છે. તો અદાલતે કહ્યું હતું કે ત્યાં શું ચાલે છે તે બધી જાણ છે.

રાજકોટ અગ્નિકાંડ મામલે સીટના વચગાળાના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. સીટે 10 મુદ્દાઓને આધારે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સોંપ્યો છે. પોલીસ, કોર્પોરેશન માર્ગ અને મકાન વિભાગની નિષ્કાળજી રહી છે. લાયસન્સ અને તાલુકા પોલીસની નિષ્કાળજીનો પણ સીટના રિપોર્ટમાં ઉલ્લેખ છે.

ખરાઈ કર્યા વગર લાયસન્સ વિભાગ પરફોર્મન્સ લાયસન્સ આપ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયરની ગંભીર બેદરકારી સામે આવી છે અને 3 વર્ષથી ગેમઝોન ચાલતું હોવા છતાં કોઈ પગલાં ન લેવાયાં હોવાનો ઉલ્લેખ પણ છે.

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનને લઈને ગુજરાત સરકારે હાઇ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં કહ્યું છે કે, હજુ એક આરોપીને પકડવાનો બાકી છે. જેના માટે લૂકઆઉટ નોટિસ કાઢવામાં આવી છે. ટીઆરપી ગેમ ઝોનને કાયમી સ્ટ્રક્ચર ગણીને કાર્યવાહી કરાશે. એક્શન ટેકન રિપોર્ટમાં 5:43ના દુર્ઘટના બની હોવાની જાણ થયા બાદ 5:48ના રાહત કામગીરી શરૂ કર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સરકારે કહ્યું છે કે શરૂઆતમાં 28 મૃત્યુ થયાં હોવાનું સામે આવ્યું હતું પરંતુ ડીએનએ ટેસ્ટ જાણવા મળ્યું કે, 27 મૃત્યુ થયાં છે. ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાતે ગયા હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોંધાયેલ ફરિયાદ બાદ અશોકાસિંહ જાડેજા હજુ પકડથી દૂર છે જેની લૂક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે જ્યારે એક આરોપીનું દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. નોંધનીય છે કે આગ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે સ્વીકાર્યું કે ગેમ ઝોનને કાયમી સ્ટ્રક્ચર ગણવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટ, મ્યુ કમિશનર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓને રાજ્ય સરકારે બિનઅધિકૃત એકમો પર કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. આ રિપોર્ટમાં સરકાર દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ગેમ ઝોન અને તેના ડેવલપમેન્ટ માટે કોઈ જ મંજૂરી લેવામાં આવી ન હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button