ગુજરાત

ગેમઝોનમાં કામ કરતા કર્મચારીઓ અને નજરે જોનાર લોકોને પણ ક્રાઈમ બ્રાંચે નિવેદન માટે બોલાવ્યા

ટીઆરપી ગેમઝોનમાં એસી ફિટ કરનાર, સાઉન્ડ સિસ્ટમના ટેક્નિશિયન, ઇલેકટ્રીશિયનની પૂછપરછ

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ પોલીસ વિવિધ લોકોના નિવેદન લઈ રહી છે. આજે પોલીસ દ્વારા એસી ફિટ કરનાર, સાઉન્ડ સિસ્ટમના ટેક્નિશિયન, ઇલેકટ્રીશિયનની પૂછપરછ કરાઈ હતી. ગેમઝોનમાં કામ કરતા કર્મચારીઓ અને નજરે જોનાર લોકોને પણ ક્રાઈમ બ્રાંચે નિવેદન માટે બોલાવ્યા હતા. ત્રણ માળના સ્ટ્રક્ચરમાં કેટલા એસી હતા? સાઉન્ડ સિસ્ટમ ક્યાં પ્રકારની હતી? વાયરિંગની ક્વોલિટી શું હતી? ઇલેક્ટ્રીક સાધનોમાં શું શું હતું? વગેરે બાબતે તપાસ કરાઈ હતી.

આ કેસની તપાસ માટે એસીપી ક્રાઇમ બસીયાની અધ્યક્ષતામાં કામ કરતી ટીમ રાત-દિવસ એક કરી રહી છે. ત્યારે ટીઆરપી ગેમઝોન સંબંધિત તમામ દસ્તાવેજો મેળવવામાં આવી રહ્યા છે. આ પહેલા પોલીસ, પીજીવીસીએલ, માર્ગ મકાન, મનપા, ફાયર સહિત જુદા – જુદા વિભાગના 90 થી વધુ લોકોના નિવેદનો નોંધાયા હતા.

જે બાદ હવે અહીં ટીઆરપી ગેમઝોનમાં કામ કરતા કર્મચારીઓ અને નજરે જોનાર લોકોના નિવેદનો લેવાઈ રહ્યા છે. ખાસ તપાસ ટીમે અત્યાર સુધીમાં ટીઆરપી ગેમઝોનના સંચાલક – ભાગીદારો યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, નીતીનકુમાર મહાવીરપ્રસાદ લોઢા જૈન, રાહુલ લલીત રાઠોડ, ધવલ ભરત ઠક્કર અને કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા તેમજ રાજકોટ મહાનગર પાલિકાના ટીપીઓ મનસુખ ધનજી સાગઠીયા, એટીપીઓ ગૌતમ દેવશંકર જોષી, એટીપીઓ મુકેશ રામજી મકવાણા અને મનપાના ફાયર વિભાગના કાલાવડ રોડ ફાયર સ્ટેશન ઓફિસર રોહીત આસમલ વિગોરાની ધરપકડ કરી છે. હજુ ધરપકડ વધે તેવી શકયતા છે.

ત્યારે આજે ક્રાઇમ બ્રાંચ ખાતે ટીઆરપી ગેમઝોનમાં જે વેપારી પેઢીએ એસી ફિટ કર્યા હતા તે વેપારી, એસી ફિટ કરનાર અને તેની સમયાંતરે સર્વિસ કરનાર ટેક્નિશિયનની પૂછપરછ કરી નિવેદન લેવાયા હતા. ગેમઝોનના ત્રણ માળના સ્ટ્રક્ચરમાં કેટલા એસી હતા? કઈ કઈ જગ્યાએ એસી ફિટ હતા.

તેના કેટલા કમ્પ્રેશન હતા. આ કમ્પ્રેશન બહારની તરફ કઈ કઈ જગ્યાએ હતા? તેનું વાયરિંગ અને ઇલેક્ટ્રીક સપ્લાયનું માળખું કઈ રીતે ગોઠવાયું હતું. કેટલા કેટલા ટનના એસી હતા. સેન્ટ્રલી એસી સિસ્ટમ હતી તો તે કઈ રીતે ગોઠવાઈ હતી? વગેરે બાબતે દસ્તાવેજો સાથેના પુરાવા પોલીસે એકત્ર કર્યા હતા..

આ સિવાય ગેમઝોનમાં જે સાઉન્ડ સિસ્ટમ હતી તેને સંચાલિત કરનાર વ્યક્તિ, આ સિસ્ટમ જ્યાંથી ખરીદ કરવામાં આવી હતી તે પેઢીના વ્યક્તિને બોલાવાયા હતા અને નિવેદન લેવાયા હતા. ગેમઝોનમાં કેટલા સ્પીકર હતા? તે કેટલા વોલ્ટના હતા? તે કઈ સિસ્ટમ કહેવાય?

સાઉન્ડ સિસ્ટમમાં કેવા કેવા ઉપકરણ હતા? એ ઉપકરણને શું કહેવામાં આવે છે? વગેરે બાબતે પૂછપરછ કરવામાં આવી હતી. એવી જ રીતે ગેમઝોનમાં વાયરિંગ કામ કરનાર ઇલેક્ટ્રીશિયનની પણ પૂછપરછ થઈ હતી અને કેટલા વીજ ઉપકરણ હતા? વાયરિંગ કઈ ક્વોલિટીનું હતું? વગેરે બાબતો નોંધવામાં આવી હતું.

આ સમગ્ર વિગતો એકત્ર કરી જે તે વિષયના એક્સપર્ટ પાસે મુકાશે અને આગ વિકરાળ કઈ રીતે બની? તેનું કારણ જાણવા પ્રયત્ન થશે. આ ઉપરાંત જે સગીર દક્ષ કુંજડિયા આગ લાગી ત્યારે ગેમઝોનમાં હતો. તેણે પતરા તોડી પોતાના નાના ભાઈ સહિત 10 લોકોને બચાવ્યા હતા. તે અને તેમના પરિવારનું આજે નિવેદન લેવાયું હતું.

News Click 24

Poll not found

Related Articles

Back to top button