મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણીમાં ઉદ્ધવ મહાવિકાસ અઘાડીનો ચહેરો રાહુલ – ખડગેની મુલાકાત લીધી
ચૂંટણી પુર્વે બેઠકોની વહેંચણી અંગે વાટાઘાટો શરૂ થઈ લોકસભા બાદ વિધાનસભામાં જીત માટે સૌ એક સાથે કોંગ્રેસના નિર્ણય પર મિટ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે મહાવિકાસ અઘાડીનો ચહેરો બનવાની સંભાવના દર્શાવાઈ રહી છે. આ માટે ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસના ટોચના નેતાઓ વચ્ચે બેઠકમાં ઓકટોબરની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પુર્વે બેઠકોની વહેંચણીની વાટાઘાટોનો સૂર નકકી થશે. આ માટે ઉદ્ધવ ઠાકરે હાલ દિલ્હીમાં રાહુલ અને ખડગેની મુલાકાતે છે.
આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પુર્વે મહા વિકાસ અઘાડીની અંદર બેઠકોની વહેંચણીની વાટાઘાટો શરૂ થઈ ગઈ છે. તેની ઔપચારિક શરૂઆતનો તખ્તો તૈયાર કરતાં શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે મંગળવારે પાટનગરની ત્રણ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા.ઠાકરે તેમની દિલ્હીની મુલાકાત દરમિયાન કોંગ્રેસના ટોચના નેતાઓને મળવાના છે, જેમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિત ઈન્ડિયા જૂથના અન્ય નેતાઓનો સમાવેશ થાય છે.
ઠાકરેની આ મુલાકાતથી શિવસેના, કોંગ્રેસ અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી જેવા મહાઅઘાડી ઘટકો વચ્ચે બેઠકોની વહેંચણીની વાટાઘાટો શરૂ થવાનો તખ્તો તૈયાર થઈ ગયો છે. પક્ષના પ્રતિનિધિઓ વચ્ચે મુંબઈમાં ઔપચારિક વાટાઘાટો યોજાશે, ત્યારે ઉદ્ધવની આ બેઠકોથી શિવસેના માટે સુર નકકી થવાની શકયતા છે. તેઓ મુખ્યમંત્રી બનવા માટે તલપાપડ છે.
જોડાણમાં પોતાને મોટા ભાઈ તરીકે સ્થાપિત કરવા માંગે છે. લોકસભાની ચૂંટણીમાં થોડા મહિના પહેલાં રચાયેલા આ જૂથે ચુંટણીમાં મજબૂત દેખાવ કરીને 48માંથી 30 બેઠકો જીતી લીધી હતી.