ગુજરાત

રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની હડતાલ યથાવત , 400થી વધુ રેસિડેન્ટ ડોક્ટરો જોડાયા ,

રાજકોટના અન્ય ખાનગી ડોક્ટરો પણ રેલીમાં જોડાયા, કલેકટરને આવેદન અપાશે : તબીબોની સુરક્ષા અંગે મુખ્ય માંગણી

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી ડોક્ટરોની રેલી યોજાઈ હતી. જેમાં 400થી વધુ રેસિડેન્ટ તબીબો જોડાયા હતા. આજે પણ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરોએ હડતાલ યથાવત રાખતા દર્દીઓને હાલાકી પડી રહી છે. આ જુનિયર ડોક્ટરો ઇમરજન્સી સિવાયની સેવાઓથી અળગા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના કોલકાતાની સરકારી આર.જી. કર હોસ્પિટલના સેમિનાર હોલમાં ગયા શુક્રવારે સવારે પોસ્ટ-ગ્રેજ્યુએટ કરતી ટ્રેની ડોક્ટરની લાશ મળી હતી. જેના પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. ઇજાના નિશાન હતા. તપાસમાં દુષ્કર્મ બાદ હત્યા કરાઈ હોવાનું ખુલ્યું હતું.

કોલકાતા પોલીસે આ કેસના મુખ્ય આરોપી સંજય રોયની ગત શનિવારે તેના ઘરેથી જ ધરપકડ કરી લીધી હતી. કડક કલમો સાથે ગુનો દાખલ કરાયો હતો. જોકે, કડક પોલીસ કાર્યવાહી બાદ દેશભરમાં ડોક્ટરો પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે.

ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 400 જેટલા રેસિડેન્ટ ડોક્ટરો ગઈકાલે શુક્રવારે હડતાલ પર ઉતરી ગયા છે. ગઈકાલે સવારે 9.30 વાગ્યાથી વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ તમામ ડોકટર પીડિયુ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે. કોલેજ બહાર પ્રદર્શન કર્યું હતું. એ પહેલાં બુધવારે સાંજે કેન્ડલ માર્ચ પણ યોજી હતી. આમ સતત બીજા દિવસે રેસિડેન્ટ ડોક્ટરો  ઈમરજન્સી સિવાયની સેવાથી અલિપ્ત રહેશે.

આજે જુનિયર ડોક્ટરો દ્વારા સિવિલ હોસ્પિટલથી કલેકટર કચેરી સુધી રેલી યોજી કલેકટરને આવેદન પાઠવવામાં આવશે. રેલીમાં મોટી સંખ્યામાં રાજકોટના ખાનગી ડોક્ટરો પણ જોડાયા છે. કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે થયેલ ક્રૂર ઘટનાને વખોડી સરકાર તબીબોની સુરક્ષા માટે ગંભીર બની કડક હાથે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે. આ તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં રેસિડેન્ટ ડોકટર સેવા પર છે. જેથી ત્યાંની સ્થિતિ રાબેતા મુજબ જ રહી છે. જ્યારે ઓપીડી સહિતના બીજા વિભાગોમાં દર્દીઓ માટેની સેવા ખોરવાઈ નહીં તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

મેડિકલ કોલેજના તમામ પ્રોફેસરોને દર્દીની સેવામાં ફરજ સોંપાઈ છે. ઉપરાંત વહીવટી પ્રક્રિયામાં રોકાયેલા મેડિકલ ઓફિસરોને પણ દર્દીઓની સારવારમાં લગાવાયા છે.

જ્યારે વહીવટી કાર્યો માટે ફોરેન્સિક વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે. જોકે જરૂરી ન હોય તેવા ઓપરેશનોની તારીખ લંબાવી દેવાઈ છે. ડોક્ટરોની સંખ્યા ઓછી હોવાથી દર્દીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button