બિટકોઇન કૌભાંડ ના મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટ ના ઇડી દ્વારા માંગવામાં આવ્યા રિમાન્ડ ,
પીએમએલએ કોર્ટના હુકમને રદ કરી શૈલેષ ભટ્ટના રિમાન્ડ આપવા માંગણી કરાઇ છે. જેની સુનાવણીમાં જસ્ટિસ ગીતા ગોપીએ રાજય સરકાર, શૈલેષ ભટ્ટ તથા અન્યો વિરુધ્ધ નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી તા.30મી ઓગસ્ટે રાખી છે.
રાજ્ય ભરમાં ચકચાર મચાવનાર રૃ.1100 કરોડના બિટકોઇન અને લાઇટ કોઇન કૌભાંડમાં મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટના રિમાન્ડ નામંજૂર કરવાના પીએમએલએ કોર્ટના હુકમ સામે ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ) દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રિવીઝન અરજી દાખલ કરાઇ છે. પીએમએલએ કોર્ટના હુકમને રદ કરી શૈલેષ ભટ્ટના રિમાન્ડ આપવા માંગણી કરાઇ છે. જેની સુનાવણીમાં જસ્ટિસ ગીતા ગોપીએ રાજય સરકાર, શૈલેષ ભટ્ટ તથા અન્યો વિરુધ્ધ નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી તા.30મી ઓગસ્ટે રાખી છે.
ગત સપ્તાહે પીએમએલએ કોર્ટે શૈલેષ ભટ્ટના વધુ દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા. પીએમએલએ કોર્ટના આ હુકમથી નારાજ ઇડીએ તાત્કાલિક ધોરણે હાઇકોર્ટમાં રિવીઝન અરજી દાખલ કરી શૈેલેષ ભટ્ટના દસ દિવસના રિમાન્ડ માંગ્યા છે. જેની સુનાવણીમાં હાઇકોર્ટે સરકારપક્ષ, શૈલેષ ભટ્ટ તથા અન્યો વિરુધ્ધ નોટિસ જારી કરી હતી.
સુરતના ધવલ માવાણી અને પિયુષ સાવલિયાનું અપહરણ કરી એક હજાર કરોડના બિટકોઇન અને લાઇટ કોઇન પડાવી લેવાના ચકચારભર્યા પ્રકરણમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટએ તાજેતરમાં ઇડીની સ્પેશ્યલ પીએમએલએ કોર્ટ સમક્ષ ખુલાસો કર્યો હતો કે, આરોપી શૈલેષ ભટ્ટે લૂંટેલા બિટકોઈનનો અત્યારે ભાવ અધધ એટલે કે, હાલ એક બિટકોઈનનો ભાવ 48 લાખ 97 હજાર થાય છે એટલે લૂંટેલા 2256 બિટકોઈનનો ભાવ રૂ.1100 કરોડથી વધુ થવા જાય છે.
ઇડીની તપાસમાં એવો પણ મોટો ખુલાસો સામે આવ્યો હતો કે, આરોપી શૈલેષ ભટ્ટે બિટકોઇનના નાણાંમાંથી જમીનો અને બેનામી મિલ્કતોમાં બહુ મોટાપાયે રોકાણ કર્યું છે, તેથી ઇડીએ હવે તે દિશામાં પણ તપાસનો દોર શરૂ કર્યો છે. બિટકોઇન કૌભાંડમાં સંડોવાયેલો શૈલેષ ભટ્ટે સુરતના ધવલ માવાણી અને પિયુષ સાવલિયાનું અપહરણ કરીને ધવલ પાસેથી 2256 બીટ કોઈન તેમ જ 14 કરોડ અને 11 હજાર કિંમતના લાઈટ કોઈન પડાવી લીધા હતા.
આ સમગ્ર કોૈભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ ચિત્રમાં આવ્યું હતુ અને શૈલેષ ભટ્ટની સામે તપાસ શરૂ કરી તેના ચાર વખત નિવેદન લીધા હતા. ઇડીના અધિકારીઓએ તા.13મીના રોજ શૈલેષ ભટ્ટને નિવેદન માટે બોલાવ્યો હતો અને પુરાવા હાથ લાગતાં મોડી રાત્રે જ તેની ધરપકડ કરી લીધી હતી.



