ગુજરાત

પહેલા ખાડા બૂરો – પછી સદસ્યતા નોંધો , રાજકોટમાં બદતર થયેલી હાલતથી કંટાળીને લોકોએ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.

વગડ ચોકડીને તંત્ર ભૂલી જ ગયા જેવી સ્થિતિ : ઔદ્યોગિક વિસ્તારના ટ્રાફિકથી પણ સમસ્યા

રાજકોટમાં તાજેતરના ભારે વરસાદ બાદ રસ્તા ભાંગીને ભૂકકો થયા છે અને ઠેર ઠેર ખાડાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. બે દિવસ પહેલા અંબિકા ટાઉનશીપ વિસ્તારના લોકોએ તળાવની જેમ ભરાયેલા પાણીમાં ભાજપના  ઝંડા ઉંધા કરીને વિરોધ કાર્યક્રમ આપ્યો હતો. તે બાદ આજે વોર્ડ નં.11ના નવા રીંગ રોડ ટચ વગડ ચોકડી વિસ્તારમાં ગામડાથી પણ બદતર થયેલી હાલતથી કંટાળીને લોકોએ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. આજના કાર્યક્રમમાં ત્રસ્ત થયેલા લોકોએ ભાજપના સદસ્યતા નોંધણી અભિયાનને પણ આડે હાથ લીધુ હતું.

અંબિકા ટાઉનશીપથી સીધો આ રસ્તો નવા રીંગ રોડને ટચ થાય છે. આ મુખ્ય રોડ ગોંડલ રોડ ચોકડી સુધી પહોંચે છે. પરંતુ દસ વર્ષથી આ વગડ ચોકડીના રસ્તાની હાલત વાહનો ખખડી જાય એવી છે. દર ચોમાસે કોર્પો. તંત્ર મેટલ, મોરમથી થીગડા મારે છે. 10 વર્ષથી આવી હાલત છે. જયારે આ ચોકડી જિલ્લા પંચાયત હેઠળ આવતી હતી ત્યારે અહીં સારા રોડ બનાવવામાં આવ્યા હતા.

પરંતુ મનપામાં ભળ્યા બાદ આ વિશાળ રોડનું નિકંદન નીકળી ગયું છે. સ્કુટર, મોટર જેવા વાહનો પાણીમાંથી પસાર થાય છે તો સતત ભારે વાહનોની અવરજવરથી દર વર્ષે રસ્તામાં ગાબડા  વધતા જાય છે.

આજે વિરોધ કાર્યક્રમ સાથે લોકોએ કહ્યું હતું કે, એક તરફથી ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ સહિત સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તો બીજી તરફ વોર્ડ નં.11ના વગડ ચોકડી આસપાસ રહેતા સ્થાનિકો દ્વારા ‘ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાન’ની શરૂઆત કરવામાં આવી છે. અહીંના સ્થાનિકોનું કહેવું છે કે માત્ર એક ઇંચ વરસાદમાં જ વગડ ચોકડી ખાતે વરસાદી પાણી ગોઠણ સમા ભરાઈ જાય છે. તેમજ અહીંયા ખાડા એટલા છે કે રસ્તાઓ શોધવા પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ઠેર ઠેર ખાડા રાજ થવાના કારણે અહીંના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીંયાથી ઔદ્યોગિક વિસ્તાર તરફ જવાનો મુખ્ય રસ્તો છે જેના કારણે પણ અહીંયા મસ મોટા ખાડા પડયા છે. મહાનગરપાલિકામાં અનેક વખત ફરિયાદ કરવા છતાં હજુ કોઈ નિવેડો નથી આવ્યો. જ્યારે જ્યારે મહાનગરપાલિકામાં ફરિયાદ કરવામાં આવે છે. ત્યારે મનપા તંત્ર દ્વારા માત્ર મોરમ નાખીને સંતોષ માની લેવામાં આવે છે.

અગાઉ જ્યારે વગડ ચોકડી વિસ્તાર જિલ્લા પંચાયતમાં આવતો હતો ત્યારે અહીં સારા રોડ બનાવવામાં આવ્યા હતા. પરંતુ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ થયા બાદ અહીંયા કોઈપણ જાતની સુવિધા તંત્ર દ્વારા આપવામાં નથી આવી.

અગાઉ ખુદ મહાનગરપાલિકાના અધિકારી કબૂલી ચૂક્યા છે કે, વગડ ચોકડી વિસ્તાર અમારા ધ્યાનમાં રહી ગયો છે. ત્યારે મહાનગરપાલિકાનું નિંદ્રાધીન તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે અહીંના લોકોની મુશ્કેલીઓ દૂર થાય છે તે જોવું રહ્યું. આ વિસ્તારમાં કોર્પોરેટરો, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ રૂબરૂ મુલાકાત લઇને હાલતનો અનુભવ કરે તેવી માંગણી વિસ્તારના લોકોએ કરી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button