હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં : 90 બેઠકોની વિધાનસભામાં અનેક પાંખીયા જંગ વચ્ચે પણ કોંગ્રેસ અને ભાજપ બંને સમાંતર દોડે છે
આમ આદમી પાર્ટી સાથે જોડાણ નહીં કરીને કોંગ્રેસે યોગ્ય નિર્ણય લીધો હોવાનો મત : કેજરીવાલનો બચાવ કરવો મુશ્કેલ

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગે્રસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સમજુતી ભાંગી પડી તે બાદ એડવેન્ટેજ ભાજપની સ્થિતિ બની રહી છે. એક તરફ ઇન્ડિયન નેશનલ લોકદળ અને બસપા બંને ગઠબંધન બનાવીને ચૂંટણી લડી રહ્યા છે. જેના કારણે જાટ અને દલિત મતો ખેંચાઇ શકે છે.
તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને અલગ અલગ ચૂંટણી લડે તો એક મોટો મત સમુહમાં વિભાજન થઇ શકે છે. જોકે લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ફકત ચાર વિધાનસભા બેઠકો પર બહુમતી મળી હતી અને તેના કારણે તે કોઇ મોટી ઉથલપાથલ સર્જી શકે તેવી શકયતા નથી. પરંતુ ભાજપ માટે હજુ પણ પડકાર યથાવત છે અને ખાસ કરીને સતત બે ટર્મની સરકાર અને શાસન વિરોધી એ ભાજપની ચિંતા છે. 2014માં ભાજપે રાજયમાં પૂર્ણ બહુમતી સાથે સત્તા મેળવી હતી. 2019માં તેને 40 બેઠકો મળી અને સરકાર બનાવવા જનનાયક જનતા પાર્ટીનો સહયોગ લેવો પડયો હતો.
જયારે લોકસભા ચૂંટણીમાં ભાજપને 2014 અને 2019માં તમામ 10 બેઠકો પર વિજય મળ્યો જયારે 2024માં તેને ફકત પાંચ જ બેઠક મળી હતી અને કોંગ્રેસે બાકીની પાંચ બેઠક જીતી હતી.
ભાજપે અગાઉ ગેર જાટ મતોનું સમીકરણ બનાવ્યું હતું તે તૂટી ગયું. ભાજપને સમર્થન કરતા દલિત મતોમાં પણ વિભાજન થયું છે. કોંગ્રેસ પક્ષને લાભ મળ્યો છે. રાજયમાં શાસન વિરોધી મતો ટાળવા માટે ભાજપે મનોહરલાલ ખટ્ટરને બદલે નાયબસિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવ્યા જે ઓબીસી સમુદાયના છે પરંતુ તેમને કેટલો સમય મળ્યો છે તે મહત્વનું છે.
બીજી તરફ ખુદ રાહુલ ગાંધી ઇચ્છતા ન હતા કે આમ આદમી પાર્ટી સામે ગઠબંધન થાય અને રાજયના નેતાઓ પણ તેમ ઇચ્છતા ન હતા પરંતુ દિલ્હી કોંગ્રેસનું મોટુ જુથનું દબાણ હતું. ખાસ કરીને આગામી વર્ષે દિલ્હીમાં ધારાસભા ચૂંટણી યોજાવાની છે અને કોંગ્રેસ ઇચ્છે છે કે કમ સે કમ તે સત્તામાં આગળ વધી તે માટે આમ આદમી પાર્ટીને સાથે રાખે.
રાજસ્થાનમાં ધારાસભા ચૂંટણીમાં જે રીતે ભાજપે પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાને એક તરફ કરીને ચૂંટણી લડી અને ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવ્યા તે પછી પણ વસુંધરા રાજેને હજુ પોતાની ઉપેક્ષા થઇ તે કળ વળી નથી.
તેને મુખ્યમંત્રી ભજનલાલ પર આડકતરી રીતે પ્રહાર કરતા કહ્યું કે જે લોકોને પીતળનો ઢોળ ચડાવી દેવાયો છે તે બધા સોનુ સમજવા લાગ્યા છે. વર્તમાન મુખ્યમંત્રી ભજનલાલ રાજયમાં જે રીતે ભાજપમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા તેમાં વસુંધરા વધારો કરી રહ્યા છે.
લોકસભા હોય કે ગમે તે ચૂંટણી હોય કોંગ્રેસને મણિશંકર અય્યરથી લઇને અનેક નેતાઓ ખરા ટાઇમે ફસાવે છે. તો ભાજપમાં હવે કંગના રણોત તે ભૂમિકામાં આવી ગયા છે અને વારંવાર તેના વિધાનો પર વિવાદ સર્જીને ભાજપને ખુલાસા કરવા પડે તેવી સ્થિતિ બનાવી છે.
હાલમાં તેને ખેડુત આંદોલન અંગે વિધાનો કર્યા પછી ભાજપને ખુલાસો કરવો પડયો છે અને ભાજપે તેને સાનમાં સમજાવવા તેની ઇમરજન્સી ફિલ્મને લટકાવી રાખી તો કંગનાએ સેન્સર બોર્ડ સામે પ્રશ્ન ઉભા કરીને કેન્દ્ર સરકારને પ્રશ્ન પૂછયા હવે હરિયાણામાં જયાં ખેડુત આંદોલન મુદો મુખ્ય છે ત્યાં કંગનાને હાલ કોઇ નિવેદન ન કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે.