ભરૂચમાં તનાવ ધાર્મિક ઝંડા મુદ્દે ઘર્ષણ મોડીરાત્રે બે કોમના ટોળા સામસામા : પથ્થરમારો-તોડફોડ: મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો ખડકી દેવાયા
ગુજરાતભરમાં ધામધુમપૂર્વક ઉજવાઈ રહેલ ગણેશોત્સવનાં તહેવારમાં સુરત-વડોદરા બાદ હવે ભરૂચમાં કોમી તનાવ સર્જાયો છે. ધાર્મિક ઝંડા લગાવવાનાં મામલે બે કોમના લોકો સામસામા આવી ગયા હતા.પથ્થરમારો-તોડફોડના ઘટનાક્રમને પગલે સમગ્ર શહેરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ગુજરાતભરમાં ધામધુમપૂર્વક ઉજવાઈ રહેલ ગણેશોત્સવનાં તહેવારમાં સુરત-વડોદરા બાદ હવે ભરૂચમાં કોમી તનાવ સર્જાયો છે. ધાર્મિક ઝંડા લગાવવાનાં મામલે બે કોમના લોકો સામસામા આવી ગયા હતા.પથ્થરમારો-તોડફોડના ઘટનાક્રમને પગલે સમગ્ર શહેરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ભરૂચ પશ્ચિમમાં આવેલા ગોકુલનગરમાં મોડીરાત્રે કોમી તનાવ પેદા થતો હતો. ગણેશોત્સવનો તહેવાર હાલ ચાલી રહ્યો છે આવતા દિવસોમાં ઈદ-એ-મિલાદનો તહેવાર આવી રહ્યો છે. બન્ને કોમના લોકો ધાર્મિક ઝંડા લગાવવા મુદ્દે મામલો બીચકયો હતો.
જોતજોતામાં ટોળા એકત્રીત થઈ ગયા હતા. ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનાં દ્રશ્યો સર્જાતા હતા.પથ્થરમારો તથા તોડફોડની ઘટના પણ બની હતી. તેમાં બે લોકો ઘાયલ થયા હતા. આ બનાવની જાણ થતાં જ પોલીસ વડા મયુર ચાવડા સહીતનાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સમગ્ર શહેરનાં પોલીસ કાફલાને ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો હતો અને ટોળાને વિખેરીને પરિસ્થિતિ કાબુમાં લેવામાં આવી હતી.
કોમી તનાવ-ઉશ્કેરણી તથા મારામારીમાં સામેલ લોકો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા.પોલીસે અફવા અને ઉશ્કેરણીથી દુર રહેવાની અપીલ કરી હતી. ગોકુલનગર તથા આસપાસનાં વિસ્તારોમાં પણ મામલો તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. આ ઘટનાના કોઈ વધુ પ્રત્યાઘાતો ન પડે તે માટે આખી રાત કોમ્બીંગ ચાલુ રાખીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ પૂર્વે વડોદરામાં પણ ધાર્મિક ઝંડા લગાવવા મામલે વિવાદ સર્જાયો હતો અને પોલીસે મામલો થાળે પાડયો હતો. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે 30 થી વધુ લોકોની અટક કરી હતી. સુરત-વડોદરા બાદ ભરૂચના બનાવથી પોલીસ એલર્ટ થઈ છે. ગણેશોત્સવનાં તહેવારોની ઉજવણી ચાલી રહી છે. આગામી 17 મીએ ગણેશ વિસર્જન હશે તે પુર્વે 16મીએ ઈદનો તહેવાર છે.તહેવાર દરમ્યાન કોમી ઉશ્કેરાટ-તનાવ રોકવા માટે સરકાર એલર્ટ થઈ છે.



